ભાવનગર જિલ્લામાં રાજસ્થળી-વીરડી વિસ્તારમાં સિંહની વસ્તી ગણતરી દરમિયાન 20 સિંહોનો પરિવાર જોવા મળ્યો હતો. આ સાથે આ વિસ્તારમાં અન્ય નવ સિંહનો અન્ય એક સમુહ ધ્યાને આવ્યો છે.
તાજેતરમાં રાજ્ય સરકારના વન વિભાગે બે તબક્કામાં સિંહની ગણતરીની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક અંદાજ પ્રમાણે સિંહોની વસ્તી 900 ની આસપાસ થવા જાય છે, પરંતું પખવાડિયા પછી સત્તાવાર આંકડો જાહેર થવાની ગણતરી છે.રાજ્યના વન વિભાગે વનના વિવિધ બિટ સ્ટાફ તેમજ સ્વેચ્છીક સંસ્થાના યુવાનો સાથે મળીને સાંસણ ગીરના તાલાળા સહિત રાજ્ય ભરના વિવિધ વિસ્તારમાં વસવાટ કરતાં સિંહોની ગણતરી હાથ ધરી છે. બે તબક્કામાં યોજાયેલ સિંહની ગણતરીની કાર્યવાહી પૂર્ણ થઇ છે.
ભાવનગર જિલ્લામાં ટીમ દ્વારા વિવિધ પધ્ધતીથી સિંહોની ગણતરી માટે હાથ ધરાયેલી કામગીરીમાં રાજસ્થળી- વીરડી વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું ત્યારે લગભગ 20 સિંહનું કુટુંબ ધ્યાને આવ્યું હતું. જેમાં બે પુખ્ત સિંહ, છ સિંહણ, એક વર્ષ થી ત્રણ મહિના સુધીના 13 સિંહ બાળ જોવા મળ્યાં હતાં. આજ વિસ્તારમાં નવ સિંહનો અન્ય એક પરિવાર જોવા મળ્યો હતો. આ પરથી જણાય આવે છે કે આ ભાવનગર જિલ્લાનો વિસ્તાર સિંહોના વસવાટ માટે અનુકુળ જણાઇ આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ગડકબારી ખાતે ફોટોગ્રાફરે 18 સિંહના સમૂહને કેમેરામાં કેદ કર્યો હતો. જે આ ગણતરી પહેલાનો સિંહનો મોટો સમૂહ ગણવામાં આવે છે.
