Bhavnagar News: શિહોરમાં 6 જાન્યુઆરીએ નિઃશુલ્ક સહાયક સાધનોનું વિતરણઃ 198 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 26.53 લાખના 362 સહાયક સાધનો મળશે

શિબિરમાં દિવ્યાંગોજનોને બેટરીચાલિત મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ, વ્હીલચેર, સીપી. ચેર, બેસાખી, શ્રવણયંત્ર તથા કૃત્રિમ અંગો સહિતના સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરાશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 04 Jan 2026 04:41 PM (IST)Updated: Sun 04 Jan 2026 04:41 PM (IST)
bhavnagar-news-198-disabled-beneficiaries-to-get-362-assistive-devices-in-shihor-on-january-6-668015

Bhavnagar News: ભાવનગર જિલ્લાના શિહોર ટાઉન હોલ ખાતે તા. 6 જાન્યુઆરી, 2026 (મંગળવાર)ના રોજ દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધનોના વિતરણની વિશેષ શિબિર યોજાશે. આ શિબિર અંતર્ગત જિલ્લાભરના પૂર્વચિહ્નિત કુલ 198 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 26,53,861/-ના ખર્ચે કુલ 362 સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

કેન્દ્રીય ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ, સ્વાવલંબન અને સન્માનસભર જીવનના હેતુસર પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)ની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની ADIP (Assistance to Disabled Persons) યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્યાંગજનોને વ્યાપક અને અસરકારક લાભ પહોંચાડવા માટે લાભાર્થીઓના ચિહ્નીકરણ તથા નોંધણી માટે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ઉપક્રમ એલિમ્કો (ALIMCO) દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગરના સહયોગથી તા. 05 ડિસેમ્બર, 2024 થી 18 ડિસેમ્બર, 2024 દરમિયાન સમગ્ર ભાવનગર જિલ્લામાં બ્લોકવાર પરીક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષણ શિબિરોના અંતે ભાવનગર જિલ્લામાં કુલ 2067 દિવ્યાંગજનોને 3763 સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ માટે પૂર્વચિહ્નિત કરવામાં આવ્યા છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 2,81,61,449/- થાય છે. ચિહ્નિત દિવ્યાંગ લાભાર્થીઓને એલિમ્કો દ્વારા નિર્મિત વિવિધ પ્રકારના સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભાવનગર જિલ્લાના શિહોર ખાતે તા. 06 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનાર વિતરણ શિબિરમાં એલિમ્કો દ્વારા તૈયાર કરાયેલ બેટરીચાલિત મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ, ટ્રાઇસાયકલ, વ્હીલચેર, સી.પી. ચેર, બેસાખી, શ્રવણયંત્ર (કાનની મશીન) તથા કૃત્રિમ અંગો સહિતના સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં બાકી રહેલા તમામ પૂર્વચિહ્નિત દિવ્યાંગજનોને તા. 19 જાન્યુઆરી, 2026 સુધી બ્લોકવાર યોજાનારી શિબિરો દ્વારા સહાયક સાધનોનું વિતરણ પૂર્ણ કરવામાં આવશે. આ રીતે, PGVCLની CSR યોજના તથા ભારત સરકારની ADIP યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં અમલમાં આવી રહેલો આ કાર્યક્રમ દિવ્યાંગજનોના આત્મનિર્ભરતા, સામાજિક સમાવેશ અને સન્માનસભર જીવન તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.