Bhavnagar News: ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક નીચે આવતા પિંગળી ગામે આજથી છ માસ પહેલા ઘરના દરવાજાઓ બંધ કરી ખુલ્લી ઓસરીમાં સુતેલા આધેડ વય વટાવી ચૂકેલા ખેડૂત દંપતી શિવાભાઈ મોતીભાઈ રાઠોડ અને તેના પત્ની વસંતબેનની રાત્રીના અંધકારમાં તીક્ષ્ણ હથિયારના 36 જેટલા અતિક્રૂરતા પૂર્વક ઘા મારીને ખાટલામાં સુતેલા દંપતીને કાયમ માટે પોઢાડી દઈ હત્યારાઓ ખૂની ખેલ ખેલી ફરાર થઇ ગયા હતા.
ભાવનગર સહિત રેન્જ પોલીસની વિવિધ ટીમોએ હત્યારા અને હત્યાનું કારણ શોધવા અલગ-અલગ ટીમો બનાવી માનવ અને ટેકનોલોજીની મદદથી દિવસ-રાત જોયા વગર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસ ધારે તો પાતાળમાંથી પણ ગુનેગારને શોધી કાઢે તે આમ જનતાની માન્યતાને પોલીસે વધુ વિશ્વસનીય બનાવી છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા ડો.પટેલે જણાવ્યું હતું કે, ભેદ ઉકેલવા માટે એલ.સી.બી, એસ.ઓ.જી પેરોલ ફર્લો, તળાજા સહિતની પોલીસ ટીમો ત્રણ છ ઉપર કામ કરી રહી હતી. રિસ્ટાર્ટ,રીફોર્મ અને રિસેટ. જેમાં ટેક્નિકલ લિંક સાથે ચોક્કસ પ્રકારના માણસો સંડોવાયેલા હોઈ તેવી માહિતી મળી. જેને લઈને મહત્વની કડીઓ મળતી ગઈ. જેમાં પોલીસે સાત ઈસમો હત્યામાં સંડોવાયેલા હોય તેવા આરોપીના નામ જાહેર કર્યા છે. જેમાં સગા ત્રણ ભાઈઓ છે. દેવીપૂજક જોરુભાઈ કમાભાઈ પરમાર રે.થોરાળી, હાલ સખવદર તા.શિહોર, દીપાભાઈ ઉર્ફે દીપો કમાભાઈ પરમાર ઉં.વ.35 હાલ.રે.વાડાછડા, તા.ગોંડલ. મેરુ ઉર્ફે મેરિયો કમાભાઈ પરમાર ઉં.વ 25 રે.થોરાળી, પ્રતાપ ઉર્ફે બોડો સામંતભાઈ ધોળકિયા.ઉં.વ.25.રે.સા.કુંડલા, ભુપત બચુભાઇ વાઘેલા ઉં.વ.55 રે.પીપરલા, તા.ઘોઘા તથા રણજીત કનુભાઈ યાદવ ઉં.વ.44 રે.પિંગળી ઝડપાઇ જવા પામ્યા છે. એક આરોપી રતન ઉર્ફે રત્નો ભુપતભાઇ વાઘેલાને પકડવાનો બાકી છે.
પોલીસનો આરોપ છે કે રણજીતભાઈ યાદવે દેવીપૂજક ઈસમોને દંપતીની હત્યા માટે રૂપિયા પાંચ લાખની સોપારી આપી હતી. હત્યારાઓએ વસંતબેનએ પહેરેલ ઘરેણાં લીધા હતા.તથા શિવાભાઈનો મોબાઈલ લઈને હત્યાની સોપારી આપનાર રણજીતભાઈને આપી દીધો હતો.આરોપીઓએ પાંચ લાખમાંથી નેવું નેવું હજારના ભાગ પાડ્યા હતા. જેમાંથી રૂપિયા 500ના દરની 66 નોટ 33000/- રૂપિયા અને મો.સા. કબ્જે લીધું છે. હત્યારા રાત્રીના સમયે બાઈક લઈ આવ્યા હતા. વંડી ટપીને પ્રવેશ કરી ઓસરીમાં સુતેલા દંપતીની ઘાતકીપણા સાથે ડબ્બલ મર્ડરને અંજામ આપ્યો હતો.
ભેદ ઉકેલવા માટે પોલીસે 50 કિમીના વિસ્તારમાં આવતા 19 ગામના 38 સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા. છ માસના અંતે હત્યારાઓ સુધી પોલીસ પહોંચી શકી. પરંતુ હત્યા શા માટે કરવામાં આવી તે જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે હત્યારાઓ બેવડી હત્યાને અંજામ આપ્યો છે. શિવાભાઈનો મોબાઈલ લઈને સોપારી આપનાર આરોપી રણજીત યાદવને આપ્યો છે.પહેલેથી જ મોબાઈલમાં એવું શું છે કે હત્યારાઓ ઘરમાં રહેલ કિંમતી વસ્તુઓ કે અન્ય દાગીના, રોકડ કશું લઈ નથી ગયા અને માત્ર મોબાઈલ લઈ ગયા એ મોબાઈલમાં એવું તો શું છે કે એ મોબાઈલ રણજીત યાદવને હત્યારાઓ એ આપવો પડ્યો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.