ભાવનગરમાં લીવ-ઈન પાર્ટનરના હત્યારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, રીકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લાવી જાહેરમાં દંડા ફટકારી હેકડી કાઢી નાંખી

ભાવનગરમાં યુવતીની હત્યા કરનાર લિવ-ઈન પાર્ટનરને પોલીસે ઝડપી પાડ્યો. રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીને જાહેરમાં દંડાથી ફટકારતા કાર્યવાહી પર સવાલ ઉઠ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 05 Sep 2026 05:21 PM (IST)Updated: Sat, 05 Sep 2026 05:21 PM (IST)
bhavnagar-crime-news-murder-accused-faisal-beaten-publicly-during-crime-reconstruction

Bhavnagar: આજથી બે દિવસ પહેલા ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડની બહાર જાહેરમાં એક યુવતીની હત્યા કરી નાંખનાર તેના શંકાશીલ પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો હતો. જે બાદ આજે આરોપીને રીકન્સ્ટ્રક્શનના નામે સ્થળ પર લાવીને દંડાથી ફટકારતા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે.

હકીકતમાં પૂર્વ ઈન્ચાર્જ DGPએ કોઈ પણ આરોપીન સાથે અપમાનજનક વર્તન કરનાર અને તેમનો જાહેરમાં વરઘોડો કાઢનારા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો હતો. એવામાં આજે નીલમબાગ પોલીસ મથકના PI ડી.પી. ઉનડકટ હત્યારા ફૈઝલ ઉર્ફે ખાટકીને દોરડાથી બાંધીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ આવ્યા હતા.

આ સમયે અન્ય પોલીસ કર્મચારીઓએ આરોપીને બસ સ્ટેન્ડના થાંભલા, બાંકડા અને પોલીસ વાન સાથે દોરડાથી પકડી રાખ્યો હતો. જ્યારે PI ઉનડકટે આરોપીની જાહેરમાં સરભરા કરતા હોય તેમ આરોપીને પગમાં દંડાથી ધડાધડ ફટકા માર્યા હતા. દંડાના મારથી આરોપી નીચે પડી જાય છે, ત્યારે પણ PI ફટકારે છે. તેમજ બસ સ્ટેન્ડના બાંકડા પર પણ આરોપીને સૂવડાવીને દંડાથી પગમાં ફટકા મારે છે. PI ઉનડકટના દંડા પડવાથી આરોપી અધમુઓ થઈ જાય છે અને બચવા માટે કાકલૂદી કરતો જોવા મળે છે.

લિવ ઈન પાર્ટનરને બેરહેમીથી ઢીક્કા-પાટુનો માર મારી ઢાળી દીધી હતી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કાજલ બારૈયા (40) નામની યુવતી 8 વર્ષથી ફૈઝલ ઉર્ફે ખાટકી (20) સાથે 8 વર્ષથી લિવ ઈનમાં રહેતી હતી. ગત 3 સપ્ટેમ્બરે કાજલ ભાવનગર બસ સ્ટેન્ડ પાસે પોતાના પરિચિત રવિ નામના યુવક સાથે વાત કરતી હતી, ત્યારે ફૈઝલ ત્યાં ધસી આવ્યો હતો. કાજલ કંઈ સમજે તે પહેલા જ ફૈઝલે 'હું જેલમાં ગયો ત્યારે તું બીજા જોડે કેમ બોલતી હતી' કહીને મારવાનું શરૂ કરી દીધુ હતુ.

ફૈઝલે ધક્કો મારતા કાજલ ફૂટપાથ પરથી નીચે પટકાઈ હતી. જે બાદ નીચે પડેલી કાજલને મોંઢા પર બેરહેમીથી લાતો મારતા તે ત્યાંજ બેભાન થઈ ગઈ હતી. જે બાદ તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.