El Nino Alert: ભારતમાં વરસાદ બાદ શિયાળામાં ઠંડી પણ 'ગુમ' થશે, 2027માં તૂટી શકે છે ગરમીના જૂના તમામ રેકોર્ડ

WMO એ ચેતવણી આપી છે કે અલ નીનો ફેબ્રુઆરી 2027 સુધી મજબૂત રહેશે, જેના કારણે ભારત સહિત વિશ્વમાં રેકોર્ડ ગરમી અને અસામાન્ય હવામાન જોવા મળશે. આનાથી નબળા ચોમાસા, ગરમ શિયાળા અને 2027માં સૌથી ગરમ વર્ષ બનવાની સંભાવના છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 05 Sep 2026 04:38 PM (IST)Updated: Sat, 05 Sep 2026 04:42 PM (IST)
wmo-alert-strongest-el-nino-since-1950-could-shatter-heat-records-by-2027

WMO Warning: શ્રાવણ માસની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી તબક્કાવાર ચોમાસું વિદાય લશે. આ વર્ષે અલ નીનોની ઘાતક અસરના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અપેક્ષા પ્રમાણે વરસાદ નથી વરસ્યો, એટલે કે ચોમાસું નબળું રહ્યું છે.

એવામાં પેસિફિક મહાસાગરમાં ઝડપથી વધતી ગરમીએ અલ નીનોને વધારે ઘાતક બનાવી દીધુ છે, જે આવતા વર્ષે ફેબ્રુઆરી-2027 સુધી મજબૂત બનીને રહી શકે છે. એટલે કે આગામી 7 મહિના સુધી ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે.

વધી રહ્યું છે દુનિયાનું તાપમાન, શિયાળો પણ ગરમ રહી શકે છે

કોઈ ભાગમાં સામાન્ય કરતાં વધારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે, તો ક્યાંક અચાનક ભારે વરસાદથી પૂરનો ખતરો વધી શકે છે. શિયાળામાં પણ અલ નીનોની ઘાતક અસરની આશંકા છે. જો આજ પેટર્ન યથાવત રહી તો, 1950 બાદનું સૌથી શક્તિશાળી અલ નીનો બની શકે છે.


વર્લ્ડ મીટરોલૉજી ઓર્ગેનાઈઝેશન (WMO)ના જણાવ્યા પ્રમાણે, પેસિફિક મહાસાગરમાં સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે. મે અને જુલાઈ મહિના દરમિયાન તાપમાન સરેરાશથી 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું, જ્યારે જુલાઈમાં બે ડિગ્રી સુધી પહોંચી ગયું હતુ.

ઓગસ્ટના મધ્ય સુધીમાં તાપમાન સામાન્યથી 2.2 થી 2.6 ડિગ્રી વધી ગયુ. દરિયાના ઊંડાણમાં પણ અનેક ભાગોમાં પાણી સામાન્યથી 8 ડિગ્રી સુધી વધારે ગરમ થઈ ગયું છે. આ વધારાની ગરમી અલ નીનોને વધારે મજબૂત બનાવી શકે છે.

WMOએ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન વિશ્વના લગભગ તમામ દેશોમાં સામાન્ય કરતાં વધારે તાપમાનની આશંકા વ્યક્ત કરી છે. પહેલાથી જ ગરમ થઈ રહેલી પૃથ્વી પર અલ નીનોની અસર પડાવાથી ગરમી વધારે ઝડપથી વધી શકે છે. જેના પરિણામે ભારે વરસાદ અને ઊંચા તાપમાનની સાથે-સાથે દુષ્કાળ અને પૂરનો ખતરો પણ તોળાયેલો રહેશે.

1901 બાદ ઓગસ્ટ મહિનો સૌથી ગરમ રહ્યો

પેસિફિક મહાસાગરનું પાણી ગરમ થવાથી ભારત તરફ આવતા હવાના દબાણ અને તેની દિશામાં ફેરફાર થાય છે. જેના પરિણામે વરસાદી સિસ્ટમનો માર્ગ પણ ફંટાઈ શકે છે. આજ કારણોસર પેસિફિક મહાસાગરમાં થતો ફેરફાર ભારત જેવા હજારો કિલોમીટર દૂર આવેલા દેશોના હવામાનને અસર કરે છે.

ભારતમાં ઓછા વરસાદ માટે અલ નીનો જ જવાબદાર છે. અલ નીનોની ઘાતક અસર આ વર્ષે ચોમાસામાં વરસાદ પર જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનામાં ભારતમાં સામાન્ય કરતાં 16 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જે 1901 બાદ સૌથી ગરમ ઓગસ્ટ મહિનો રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા છે.

એવામાં ચોમાસાના અંતિમ પડાવમાં વરસાદમાં ભારે વિષમતા જોવા મળી શકે છે. એટલે કે કોઈ ભાગોમાં ઓછો વરસાદ પડશે, તો કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

ફેબ્રુઆરી 2027 સુધી અલ નીનોની અસર રહેશે, રેકોર્ડ બ્રેક તાપમાનનું તોળાતું સંકટ

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, અલ નીનોની અસર માત્ર ચોમાસા પુરતી સીમિત નહી રહે. એનાથી વિપરિત અલ નીનો મજબૂત થવાથી શિયાળામાં પણ તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે. ઉત્તર ભારતમાં શિયાળો ટૂંકો રહેવાનો તેમજ ફેબ્રુઆરી-માર્ચમાં ગરમી વધવાની આગાહી પહેલાથી જ કરવામાં આવી રહી છે. જો કે ઠંડી કેટલી પડશે, તે માત્ર અલ નીનોથી જ નક્કી નહીં થાય. પશ્ચિમી વિક્ષોભ, હિમાલયમાં હીમ વર્ષા અને હિન્દ મહાસાગરમાં હલચલની સ્થિતિ પણ અગત્યનો ભાગ ભજવશે.

અગાઉ 2023-24માં પણ મજબૂત અલ નીનોએ 2024ને વિશ્વના સૌથી ગરમ વર્ષ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે પણ તાપમાનના નવા રેકોર્ડનું સંકટ તોળાઈ રહ્યું છે. એવામાં આવનારા 7 મહિના હવામાનમાં મોટી ઉથલ-પાથલ રહી શકે છે. મોટાભાગે અલ નીનો બાદ વિશ્વના તાપમાનમાં થોડા સમય માટે અસામાન્ય વધારો જોવા મળતો હોય છે.

2027 સૌથી ગરમ વર્ષ બની શકે છે

2027માં અલ નીનોની અસરથી ગરમી વધી શકે છે, જેની અસર માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના તાપમાન પર પણ પડી શકે છે. 2027માં વિશ્વનું સરેરાશ તાપમાન વધી શકે છે. આટલું જ નહીં, 2027 અત્યાર સુધીનું સૌથી સૌથી ગરમ વર્ષ પણ બની શકે છે.

અલ નીનો શું છે?

અલ નીનો એક કુદરતી ઘટના છે. જેમાં પેસિફિક મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધારે ગરમ થઈ જાય છે. દરિયામાં વધેલા તાપમાનની અસર સમગ્ર દુનિયાના હવામાન પર પડે છે. સામાન્ય રીતે અલ નીનો દર 2 થી 7 વર્ષના અંતરે આવતું હોય છે અને અનેક મહિનાઓ સુધી તેની અસર રહી શકે છે.