Gujarat Monsoon Update: અલ નીનોના પ્રભાવ હેઠળ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે. જુલાઈના અંતમાં મનમૂકીને વરસ્યા બાદ ઓગસ્ટ મહિનો આખો એકંદરે કોરો રહ્યો છે. એવામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાની છેલ્લી 3 સિઝનમાં સૌથી ઓછો વરસાદ
જો ગુજરાતની વાત કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 685.65 મી.મી. વરસાદ નોંધાયો છે. જે સરેરાશ વરસાદના 75.44 ટકા જેટલો થવા જાય છે. જે છેલ્લા 3 વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો છે. હકીકતમાં 2023માં ગુજરાતમાં 108.16 ટકા, 2024માં 143.14 ટકા અને 2025માં 128.57 ટકા વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગંભીર સ્થિતિ
રાજ્યના વિવિધ ઝોન પ્રમાણે વરસાદ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1602.75 મી.મી. (103.94 ટકા) વરસાદ ખાબક્યો છે. આ સિવાય પૂર્વ-મધ્ય ગુજરાતમાં 613.70 મી.મી (74.93 ટકા), સૌરાષ્ટ્રમાં 427.15 મી.મી (56.04 ટકા), ઉત્તર ગુજરાતમાં 410.70 મી.મી (56.23 ટકા) અને કચ્છમાં 147.40 મી.મી (29.49 ટકા) વરસાદ નોંધાયો છે.
રાજ્યના 3 તાલુકામાં 2 ઈંચથી પણ ઓછો વરસાદ
તાલુકા પ્રમાણે વરસાદની વિગતો જોઈએ તે, 37 તાલુકા એવા છે, જ્યાં 1000 મી.મીથી વધુ (40 ઈંચથી વધુ) વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે 91 તાલુકામાં 501 થી 1000 મી.મી., 116 તાલુકામાં 251 મી.મીથી 500 મી.મી, 14 તાલુકામાં 126 મી.મી થી 250 મી.મી વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના માત્ર 3 તાલુકા એવા છે, જ્યાં 0 થી 50 મી.મી (2 ઈંચથી પણ ઓછો) વરસાદ નોંધાયો છે.
જિલ્લાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો, વલસાડમાં સીઝનનો 117.05 ટકા (2787 મી.મી) અને નવસારીમાં 122.55 ટકા (2329 મી.મી) વરસાદ થયો છે. તેની સામે દેવભૂમિ દ્વારકામાં માત્ર 6.41 ટકા (54 મી.મી) અને પોરબંદરમાં 18.12 ટકા (154 મી.મી.) વરસાદ નોંધાયો છે, જે ચિંતાજનક રીતે ઓછો છે. કચ્છ જિલ્લામાં પણ સરેરાશ 29.49 ટકા વરસાદ જ નોંધાયો છે.
વીતેલા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યના 7 જિલ્લાના 16 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જે પૈકી તાપીના સોનગઢમાં સૌથી વધુ 5 મી.મી. વરસાદનું ઝાપટું પડ્યું છે. જ્યારે આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં 10 મી.મી. અને સિંગવડમાં 6 મી.મી વરસાદ વરસ્યો છે.
વરસાદની ખેંચ છતાં 36 ડેમો હાઈએલર્ટ પર મૂકાયા
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની કુલ ક્ષમતાના 89.43 ટકા ભરાયેલો છે. અત્યારે ડેમમાં 52613 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 15970 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા સિવાય રાજ્યના અન્ય 206 જળાશયો પણ તેની કુલ ક્ષમતા 65 ટકાથી વધુ ભરાયેલા છે.
અત્યારે પાણીના લેવલના આધારે રાજ્યના 36 જળાશયો 90 ટકાથી ભરાઈ ગયા હોવાથી તેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં અમરેલીના ધાતરવડી, સૂરજવડી, રાયડી, ભાવનગરનો શેત્રુંજી, પિંગણી, માલણ, ભરુચનો ધોલી અને બલદેવા જેવા ડેમોનો સમાવેશ થાય છે. આ સિવાય 10 ડેમ એલર્ટ, 13 ડેમ વોર્નિંગ હેઠળ છે.
દેશમાં સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ નહીં
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ વરસાદનો આંકડો (LPA) લગભગ 167.9 મી.મી છે. એટલે કે જોઈએ તો, દેશના ઘણાં ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસે તેવા સંકેત છે. જો કે પૂર્વ અને દક્ષિણના રાજ્યોના કેટલાક ભાગોમાં જરૂર સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી શકે છે, પરંતુ ગુજરાત માટે સૌથી ચિંતાજનક સ્થિતિ છે.
20 સપ્ટેમ્બર બાદ ગુજરાતના 50 ટકા ભાગોમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લઈ શકે છે, જેની પહેલા વિવિધ ભાગોમાં છૂટાછવાયા ઝાપટાથી માંડીને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
