Rakshabandhan Gift: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ મહિલાઓને વિશેષ ભેટ આપવામાં આવી છે. જેમાં રક્ષાબંધનના દિવસે PM ઈ-બસ સેવા અંતર્ગત તમામ સિટી ઈ-બસોમાં મહિલા મુસાફરો માટે નિઃશુલ્ક મુસાફરી રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આ વિશેષ આયોજનને પગલે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના નિવાસસ્થાને કોઈપણ પ્રકારની યાતાયાતની મુશ્કેલી કે આર્થિક ભારણ વિના સરળતાથી અને સુરક્ષિત રીતે પહોંચી શકશે. રક્ષાબંધનના દિવસે શહેરના તમામ રુટ પર દોડતી કોર્પોરેશન સંચાલિત ઈ-બસમાં મુસાફરી કરતી મહિલાઓ પાસેથી કોઈ પણ પ્રકારનું ટિકિટ ભાડું વસૂલવામાં આવશે નહીં.
ઈ-બસ સેવા સામાન્ય દિવસોમાં સલામત અને સમયબદ્ધ પરિવહન પૂરું પાડી રહી છે, ત્યારે તહેવાર દરમિયાન વધતી ભીડ વચ્ચે બહેનોને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે આ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરની તમામ મહિલાઓને આ નિઃશુલ્ક પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા મેયર ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
