Narmada Flood Alert: ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાવાને કારણે નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે, જેના પરિણામે ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર 24.80 ફૂટે પહોંચ્યું છે. જો નદીના જળસ્તરમાં સતત વધારો થશે તો કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી શકે તેમ હોય એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ અંકલેશ્વર-સુરતને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાનું જળસ્તર 24.80 ફૂટ પર પહોંચ્યું
નર્મદા નદીમાં પણ જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. ભરૂચ નજીક આવેલા ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાનું જળસ્તર 24.80 ફૂટ પર પહોંચી ગયું છે, જે નદીની ભયજનક સપાટી ગણાય છે. ઉપરવાસમાંથી લગભગ 4,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવતા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.

આ પરિસ્થિતિને કારણે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા સહિતના નદીકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વ્યાપી છે. બોરભાટા બેટ વિસ્તારના સરપંચ પંકજભાઈના જણાવ્યા અનુસાર, 24 ફૂટથી વધુ પાણી હોવાથી ખેતીની જમીનોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેના કારણે ખેતીના પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે.

નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહીના પગલે નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સલામત સ્થળોએ ખસી જવા માટે પણ સૂચનાઓ અપાઈ રહી છે. નર્મદાનું જળસ્તર 27 ફૂટની સપાટીએ પહોંચે તો અંકલેશ્વરના ગામો અને ભરૂચના ફુરજા સહિતના વિસ્તારોમાં પાણી પ્રવેશી શકે છે, જેના માટે તંત્ર દ્વારા સ્થળાંતરની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. રાહત અને બચાવ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

જિલ્લા તંત્રની પરિસ્થિતિ પર ચાંપતી નજર
જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ સહિતનું સમગ્ર તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. નાગરિકો સુધી તાત્કાલિક અને સચોટ માહિતી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નર્મદા નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી હોવાથી તંત્ર કોઈપણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

અંકલેશ્વર-સુરતને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ
ભરૂચ જિલ્લામાં સતત વરસાદને લીધે અંકલેશ્વર-સુરતને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, જેના પરિણામે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આમલખાડી ઓવરફ્લો થતા પણ માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો, જ્યાં અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા.

વાહનચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય માર્ગ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.