Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 15 દરવાજા 3.4 મીટર ખોલાયા, 27 ગામોને એલર્ટ કરાયા

આજે, 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11 વાગ્યે, બંધના 15 દરવાજા 3.35 મીટર ખોલીને નર્મદા નદીમાં કુલ 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 04 Sep 2025 12:35 PM (IST)Updated: Thu 04 Sep 2025 12:35 PM (IST)
narmada-sardar-sarovar-dam-water-rises-15-gates-opened-27-villages-alerted-597146

Sardar Sarovar Dam Water Level Today: નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી હાલ 4,10,483 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સપાટી 10 સેન્ટીમીટરે વધારાનો અહેવાલ મળ્યો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવાથી હાલ તે 90 ટકા ભરાઈ ગયો છે.

નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવતા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થયો છે. પરિણામે, આજે, 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11 વાગ્યે, બંધના 15 દરવાજા 3.35 મીટર ખોલીને નર્મદા નદીમાં કુલ 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં નદી તળ વિદ્યુત મથકના 6 મશીનો દ્વારા છોડવામાં આવતું 45 હજાર ક્યુસેક પાણી પણ સામેલ છે. પરિણામે નર્મદા નદીના બંને કાંઠે પાણીનું વહેણ વધ્યું છે, જેને કારણે તંત્રે એલર્ટ જાહેર કર્યું છે.

નદી કાંઠાના કુલ 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના કુલ 27 ગામોને પૂર્વ ચેતવણી આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને નદી કાંઠેથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં સતત વધી રહેલી આવકને કારણે પરિસ્થિતિ પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. વરસાદ અને ઉપરવાસમાંથી આવનારા પાણીના પ્રમાણને આધારે ડેમના ગેટોના ઓપરેશનમાં ફેરફાર કરવામાં આવશે.