Bharuch News: ભરૂચ એલસીબીની ટીમે ગુપ્ત બાતમીના આધારે વાલિયા તાલુકાના વટારીયા ગામ પાસે આવેલ એક ફાર્મહાઉસ પર દરોડો પાડી મોટી કાર્યવાહી અંજામ આપી હતી. પોલીસે સ્થળ પરથી કોંગ્રેસના પૂર્વ ઝઘડિયા વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા ફતેસિંગ વસાવા સહિત 6 જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતી.
મળતી માહિતી મુજબ, એલસીબીના પી.એસ.આઈ આર.કે. ટોરાણી તથા હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત પટેલ, ધનંજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા દરોડા પર ગયો હતો. બાતમી મુજબ ફતેસિંગ વસાવા પોતાના ફાર્મહાઉસમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા ₹3.23 લાખ, ચાર મોબાઇલ ફોન અને એક ફોર વ્હીલર સહિત કૂલ રૂપિયા 10.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા જુગારીઓમાં મુખ્ય સૂત્રધાર ફતેસિંગ ચીમન વસાવા (અંકલેશ્વર કોસમડીના સરગમ રેસિડેન્સી), મુકેશ શંકર ભોઈ, જસપાલસિંગ નેહાલસિંગ સિકલીગર, મેહુલકુમાર ભૂરા પ્રસાદ દવે અને અન્ય સામેલ છે. એક જુગારી ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. ખાસ વાત એ છે કે ઝડપાયેલા જુગારીઓમાં એસ.આર.પી. ગ્રુપ રૂપનગરનો એક પોલીસ કર્મી પણ છે, જેનાથી પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફતેસિંગ વસાવા અગાઉ ઝઘડિયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. નેતા અને પોલીસ કર્મી બંનેનો જુગારમાં સામાવેશ થવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.