Bharuch Jambusar Road Accident: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા સારોદ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ફોર વ્હીલર કાર અને બાઇક વચ્ચે સામસામી ટક્કરમાં બાઇક સવાર યુવકનું કરૂણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નહાર ગામમાં રહેતો મયુર મકવાણા પોતાની સાસરીમાં પત્નીની બહેન (સાળી)ને લેવા માટે ઘરથી બાઇક લઈને નીકળ્યો હતો. આ દરમિયાન જંબુસર તાલુકાના સારોદ ગામ નજીકથી પસાર થતી વેળાએ પુરપાટ ઝડપે આવતી એક ફોર વ્હીલર કાર સાથે તેની બાઇકનો અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, મયુર રોડ પર પટાકાઈ પડ્યો હતો અને તેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મયુરને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના તબીબો દ્વારા તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન ઈજાઓ ખૂબ જ ગંભીર હોવાથી મયુરે ટૂંકી સારવારના અંતે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
યુવકના અચાનક થયેલા આકસ્મિક અવસાનથી પરિવારજનો પર દૂખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃતકના સ્વજનો અને પરિવારજનો વડોદરા હોસ્પિટલ ખાતે પહોંચી જતાં તેમના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ભારે સન્નાટો અને ગમગીની છવાઈ ગઈ હતી. સાસરીયે ખુશીના કામથી જઈ રહેલા યુવકનો કાળ આંબી જતાં પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.
આ ઘટના અંગે જાણ થતાં જ વેડચ પોલીસ સ્ટેશનનો કાફલો હરકતમાં આવ્યો હતો. વેડચ પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી, અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અકસ્માત સર્જનાર ફોર વ્હીલર ચાલક સામે આગળની તપાસ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
