Mahesh Vasava on Tribal Land Dispute: ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના લોકોની જમીન તથા જંગલના અધિકારો અંગે વધી રહેલા તણાવ વચ્ચે પૂર્વ MLA મહેશ છોટુભાઈ વસાવાએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. મહેશ વસાવાએ દાવો કર્યો કે, વિસ્તારમાં આદિવાસીઓની જમીન હડપ કરવા માટે મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કેટલાક અસામાજિક તત્વો 'ભગત' કે 'બાવા' વેશમાં આવીને ભોળા આદિવાસીઓની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2006 પહેલા પણ જમીન સંબંધિત વિવાદ અસ્તિત્વમાં હતા, પરંતુ હાલના સમયમાં પરિસ્થિતિ વધુ વણસી છે. કેટલાક તત્વો સરકારી તંત્ર સાથે મિલીભગત કરીને ખોટા દાવાઓ અને કાગળો પર ગેરકાયદેસર એન્ટ્રીઓ કરાવી રહ્યા છે. આ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ સામે અદાલતના દરવાજા ખખડાવી કાનૂની લડાઈ લડવામાં આવશે તેવો તેમણે સ્પષ્ટ હૂંકાર કર્યો હતો.
પોતાના પિતા અને આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના રાજકીય સંઘર્ષને યાદ કરતા તેમણે કહ્યું કે, ભૂતકાળમાં પણ આદિવાસી નેતાઓએ જમીનદારો સામે મોટો સંગ્રામ ખેલ્યો હતો. વર્તમાન સમયમાં છોટુભાઈ વસાવાની વિચારધારા અને આદિવાસી નેતૃત્વને નાબૂદ કરવાના ભાગરૂપે જ રાજકીય આકાઓ અને જમીન માફિયાઓ સક્રિય થયા છે. તેમણે સરકાર તથા જમીન માફિયાઓ વચ્ચે મિલીભગત અંગે આકરા પ્રહારો કર્યા હતા.
સમગ્ર આદિવાસી સમાજને રાજકીય મતભેદો ભૂલી જવા હાકલ કરતા મહેશ વસાવાએ જણાવ્યું કે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જેવા તમામ પક્ષથી પર થઈને આદિવાસી સમાજે એકજૂટ થવું પડશે. બંધારણના ‘શિડ્યુલ-5’ હેઠળ મળતા વિશેષ અધિકારો અને વિસ્તારોનું રક્ષણ કરવા માટે જાગૃત થવું અનિવાર્ય છે. છોટુભાઈ વસાવાએ શરૂ કરેલી મૂળ વિચારધારાને જીવંત રાખીને જળ, જંગલ અને જમીનના અસ્તિત્વ માટે એકતા સાથે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
