જંબુસરના ઉબેર પાસે વડોદરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું: 60 એકર ખેતીની જમીનમાં નર્મદાના નીર ફરી વળતાં પાકને નુકસાનની ચિંતા

ભરૂચના જંબુસર તાલુકાના ઉબેર ગામ નજીક વડોદરા બ્રાન્ચ કેનાલમાં વહેલી સવારે મોટું ગાબડું પડતાં 60 એકર ખેતીની જમીનમાં નર્મદાના પાણી ફરી વળ્યાં છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 19 Nov 2026 02:58 PM (IST)Updated: Thu, 19 Nov 2026 02:58 PM (IST)
jambusar-uber-village-vadodara-branch-canal-breach-60-acres-farmland-flooded-bharuch-crop-damage

પ્રશાંત ગજ્જર, વડોદરા: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ઉબેર ગામની સીમ નજીક વડોદરા બ્રાન્ચ કેનાલમાં વહેલી સવારે મોટું ગાબડું પડતાં આસપાસના ખેતી વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. કેનાલની સાંકળ નંબર 85 પાસે સર્જાયેલી આ ઘટનાને પગલે અંદાજે 50થી 60 એકર જેટલી ખેતીની જમીન જળબંબાકાર બની ગઈ છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

કેનાલમાં ગાબડું પડતાં ખેતરમાં પાણી ફર્યું

મળતી વિગતો અનુસાર, આજે વહેલી સવારે આશરે 3થી 4 વાગ્યાના સુમારે અચાનક કેનાલમાં ગાબડું પડતાં નર્મદાના પાણીનો ધસમસતો પ્રવાહ નજીકના ખેતરો તરફ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા ડાંગર, કપાસ તેમજ તુવેરના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.

40થી 60 એકર જમીનમાં પાણી ભરાયું

આ મામલે સ્થાનિક ખેડૂત રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે

કેનાલ તૂટવાના કારણે આશરે 50થી 60 એકર જમીનમાં પાણી ભરાઈ ગયું છે અને ખાસ કરીને ડાંગર સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

તેમણે કેનાલના નિભાવ અને સિંચાઈ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી નારાજગી વ્યક્ત કરી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ તાત્કાલિક ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા, થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરવા અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.

કેનાલના સમારકામની કામગીરી હાથ ધરાશે

બીજી તરફ, નર્મદા યોજના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર રોનક ગિરીશભાઈ બાગુલે માહિતી આપી હતી કે ગાબડા અંગેની જાણ થતાં જ ઉપરવાસમાંથી પાણીની આવક અટકાવવા અને કેનાલનું જળસ્તર શૂન્ય સુધી લાવવા માટે તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે. હાલ કેનાલમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે.

તંત્રના જણાવ્યા મુજબ, પાણી સંપૂર્ણપણે ઓસરી ગયા બાદ કેનાલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે અને શક્ય તેટલી ઝડપે મરામત પૂર્ણ કર્યા બાદ ફરીથી પાણી છોડવામાં આવશે. જોકે, ખેતરોમાં ભરાયેલા પાણીથી થયેલા પાક નુકસાનના સર્વે અને વળતર અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.