Bharuch Online Trading Scam: શેરબજારમાં ઊંચા વળતર અને તગડા નફાની લાલચ આપીને નાગરિકોને ઠગતી સાયબર ગેંગો સક્રિય થઈ રહી છે. તાજેતરમાં ભરૂચના ઝાડેશ્વર રોડ સ્થિત આર.કે. હેબીટેટમાં રહેતા અને ઝઘડિયા GIDCની બ્રિટાનિયા કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રાઘવેન્દ્રસિંહ છત્રપાલસિંહ ઓનલાઈન સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે.
શેરબજારમાં રોકાણ કરી કરોડો રૂપિયા કમાવવાની લાલચમાં તેમણે કુલ 65.20 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે ભરૂચ 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કૌભાંડની વિગતવાર વાત કરીએ તો, રાઘવેન્દ્રસિંહ છેલ્લા 10-12 વર્ષથી શેરબજારમાં રોકાણ કરતા હોવાથી સાયબર ઠગોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને એક ટ્રેડિંગ ગ્રુપમાં જોડ્યા હતા. આ દરમિયાન 'લક્ષ્મી ગોપાલસ્વામી' નામની મહિલાએ તેમની સાથે સંપર્ક સાધી વિવિધ રોકાણ યોજનાઓ અને શેરબજારમાં નફાની લાલચ આપી હતી.
ઠગોએ એક શંકાસ્પદ લિંક મોકલીને બનાવટી ટ્રેડિંગ આઈડી બનાવી આપી હતી અને તા. 24 માર્ચ 2025 થી 6 મે 2025 દરમિયાન જુદા-જુદા બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે કુલ 64.25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
આપેલ એપમાં એપ્રિલના અંત સુધીમાં રૂા. 2.73 કરોડથી વધુનો નફો બતાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે તેમણે આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સાયબર ઠગોએ ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે વધુ રકમની માગણી કરી હતી અને છેતરપિંડી આચરી હતી.
આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા રાઘવેન્દ્રસિંહે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ખાતાઓની વિગતોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમ એજન્સીઓ દ્વારા અવારનવાર નાગરિકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની ટિપ્સ કે શંકાસ્પદ ટ્રેડિંગ એપ્સથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે.
