Surat: ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ રાજ્યની પોલીસ એલર્ટ બની છે એવામાં સુરતમાં બે અલગ અલગ વિસ્તારમાંથી દારૂના જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે 72 વર્ષીય વૃદ્ધ મહિલાને 26 હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. આ વૃદ્ધ મહિલા સામે અગાઉ પ્રોહિબિશનના અગાઉ 23 ગુના નોંધાયેલા છે. જયારે બીજા બનાવમાં સરથાણા પોલીસે ઈનોવા કારમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા જમીન દલાલને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂ અને કાર મળી કુલ 3.26 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો
પહેલા બનાવમાં સચિન GIDC પોલીસની ટીમે ગભેણી ગામમાં આવેલા સારંગ ફળિયામાં રેડ કરી હતી. અહી રહેતી 72 વર્ષીય વિધવા મહિલા મંછીબેન ડાહ્યાભાઈ લાલુભાઈ ખલાસીને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે તેના ઘરના વાડામાંથી 26 હજારનો વિદેશી દારૂની બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ વૃદ્ધ મહિલા સામે અગાઉ પ્રોહિબિશનના 23 નોંધાઈ ચુક્યા છે અને ફરી એક વખત તે દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે. સચિન જીઆઈડીસી પોલીસે મહિલા સામે પ્રોહી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બીજા બનાવમાં સરથાણા પોલીસની ટીમે પેલેડીયમ મોલના પાર્કિંગમાં રેડ કરી હતી અને ત્યાંથી ઈનોવા કારમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા હિતેશભાઈ ઉર્ફે ભૂરો રમેશભાઈ સાબલપરા (41) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 26112નો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.26 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી મકાન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
હાલ સરથાણા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં મહારાષ્ટ્રથી મંગાવેલા આ દારૂના નેટવર્કમાં કડોદરા ગામના છોટુ નામનો શખ્સ હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
