Bharuch: અંકલેશ્વરના સારંગપુર અને GIDC વિસ્તારમાં લાકડાના ડેનસામાં કામ કરતા બે યુવાનો ફરમાન અલી (24) અને રાહુલ સિંઘ (25)ના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે.
પ્રાથમિક અનુમાન મુજબ, થાક ઉતારવાના ઇરાદે લેવાયેલા પેઇનકિલર ઇન્જેક્શનના ઓવરડોઝ અથવા તેની આડઅસરને કારણે કાર્ડિયાક અરેસ્ટ આવવાથી બંનેના મોત થયાની આશંકા છે. આ ઘટનામાં અન્ય એક યુવક અભિષેક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
ઘટના સ્થળેથી સામે આવેલા દૃશ્યો અત્યંત કરૂણ હતા. જેમાં ફરમાનનો મૃતદેહ પ્લાસ્ટિકની ખુરશીમાં અને રાહુલનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. પરિવારને જાણ થતાં જ સ્વજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં રાહુલના માથાને ખોળામાં રાખીને એક યુવતીનું આક્રંદ જોઈ ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
DySP ડો. કુશલ ઓઝાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાય છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને વિસેરા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
બીજી તરફ મૃતક ફરમાનના પિતાએ ઊંડી વેદના સાથે પોલીસ અને સરકારી તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે, ભ્રષ્ટાચાર અને પૈસાના જોરે આ કેસને રફેદફે કરી દેવામાં આવશે. તેમણે આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરી તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દવાઓનો ઓવરડોઝ અને આરોગ્ય પર જોખમ
નિષ્ણાત તબીબ ડો. કેતન દોશીના જણાવ્યા મુજબ, ઓપિયોઇડ, ફોર્ટવિન કે મોર્ફિન જેવા પેઇનકિલર ઇન્જેક્શનનો ઓવરડોઝ જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી હૃદયને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના લીધે બ્લડ પ્રેશર અને ધબકારા ધીમા પડીને કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટ આવી શકે છે.
વારંવાર અને અનિયંત્રિત પેઇનકિલર્સ લેવાથી લિવર, કિડની અને હૃદયને ગંભીર નુકસાન થાય છે. તબીબોએ જાતે દવાઓ લેવાના બદલે ડૉક્ટરની સલાહ મુજબ જ નિયમિત ડોઝ લેવાની અથવા ફિઝિયોથેરાપી જેવા બિન-ઔષધીય વિકલ્પો અપનાવવાની અપીલ કરી છે.
