Bharuch: ભરૂચના સાંસદ મનસુખ વસાવાની એક પ્રેસ કોન્ફરન્સને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક ખેંચતાણ સામે આવી છે. ભાજપ સાંસદ અને રાજપીપળાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે આરોપ-પ્રત્યારોપ થતાં રાજકીય વાકયુદ્ધ છેડાયું છે, જે હવે જાહેર મંચ સુધી પહોંચી ગયું છે.
હકીકતમાં ગઈકાલે રાજપીપળામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. દર્શના દેશમુખે આરોપ લગાવ્યો હતો કે, 7 ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો કર્યા હતા.
જો કે કોઈનું નામ જાહેર નહતું કર્યું, પરંતુ આડકતરી રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે પોતાની સાંઠગાંઠ હોવાનો સંકેત આપ્યો હતો. જેના કારણે તેમની બદનામી થઈ છે. જો ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત નહીં થાય તો તેઓ સાંસદ સામે માનહાનિનો દાવો કરશે.
વધુમાં ડૉ. દર્શના દેશમુખે જણાવ્યું કે, સાંસદ મનસુખ વસાવા તેમને ધારાસભ્ય તરીકે સ્વીકારતા નથી. તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું. સિનિયર સાંસદ તરીકે જાહેરમાં વાણી-વિલાસ કરવો યોગ્ય નથી. તેમણે આ મુદ્દે પ્રદેશ ભાજપ સમક્ષ રજૂઆત કર્યાની પણ જાણ કરી હતી અને હવે મૌન નહીં રહેવાની ચેતવણી આપી હતી.
ડૉ. દેશમુખની પ્રેસ કોન્ફરન્સ બાદ આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી જવાબ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, કેવડીયા કોલોનીમાં એકતા પરેડ સંદર્ભે યોજાયેલી બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું. તે સમયે ડૉ. દર્શના દેશમુખ મૌન રહ્યા હતા. વધુમાં સાંસદે દાવો કર્યો કે, એક આમ આદમી પાર્ટીના નેતાએ એક અધિકારી પાસે રૂ. 75 લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવવા પ્રયત્ન કર્યો હતો.
ડૉ. દર્શના દેશમુખે જાહેરમાં આરોપો લગાવી પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. મેં જ એમને ધારાસભ્ય બનાવ્યા છે. કોઈ મનદુઃખ હોય તો પાર્ટી ફોરમમાં રજૂઆત કરવી જોઈએ. બંને તરફના આક્ષેપો બાદ ભાજપની આંતરિક ખેંચતાણ હવે ખુલ્લી પડી છે અને મામલો વધુ તીવ્ર બનતો જણાઈ રહ્યો છે.
