Rajkot: 'તમારો દીકરો લગ્નમાં છોકરીના વીડિયો ઉતારે છે..'- કહી પાડોશી શખ્સો આધેડ પર તૂટી પડ્યા, છરી વડે હુમલો કર્યો

DJ વાળો મિત્ર હોવાથી યુવકે ગીત વગાડવા મોબાઈલ આપતા આરોપીઓને શંકા ગઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Dec 2025 09:06 PM (IST)Updated: Sat, 13 Dec 2025 09:06 PM (IST)
rajkot-news-attack-on-middle-age-man-by-neighbor-at-chunaravad-under-thorala-police
HIGHLIGHTS
  • આધેડને માતાજીના મઢે હાથ મૂકવા બોલાવ્યા બાદ ફટકાર્યા

Rajkot: શહેરના ચુનારાવાડમાં રહેતાં આધેડને પાડોશીએ ‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વીડિયો ઉતારે છે’ તેમ કહી માતાજીના મઢે બોલાવી છરી વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આધેડે પુત્ર શેરીમાં લગ્ન પ્રસંગ હોય અને ડી.જે.વાળો તેનો મિત્ર હોવાથી ગીત વગાડવા માટે મોબાઈલ આપ્યો હતો. જો કે આરોપીઓને છોકરીના વીડિયો ઉતારતો હોવાની શંકા કરી તેમને માર માર્યાનું જણાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ચુનારાવાડ શેરી નં.1માં રહેતાં સામતભાઈ સામજીભાઈ બાવળીયા (45) નામના આધેડ ગત રાત્રે ચુનારાવાડ શેરી નં.2માં આવેલા માતાજીના મઢે હતાં, ત્યારે ભોદો, અજય અને ભયલાએ છરી વડે હુમલો કરી માર મારતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં સામતભાઈના જણાવ્યા મુજબ તેનો પુત્ર સાહિલ ગઈકાલે રાત્રે ઘર પાસે શેરીમાં લગ્ન હતાં, ત્યારે ડી.જે.વાળો સાહિલનો મિત્ર હોવાથી સાહિલે તેને પોતાનો મોબાઈલ ગીત વગાડવા માટે માંગતા આપ્યો હતો.

જેથી આરોપીઓને સાહિલ છોકરીઓના વીડિયો ઉતારતો હોય તેવું લાગતાં આરોપીએ સામતભાઈને ફોન કરી તમારો દીકરો લગ્ન પ્રસંગમાં છોકરીઓના વીડિયો ઉતારે છે તેમ કહી ચુનારાવાડ-2માં આવેલા માતાજીના મઢે આવી હાથ મૂકો તેમ કહી બોલાવ્યા હતાં. સામતભાઈ માતાજીના મઢે જતાં આરોપીઓએ છરી વડે હુમલો કરી માર માર્યાનું જણાવ્યું હતું. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.