ભરૂચમાં ભાદરવો ભરપુરઃ અંકલેશ્વરમાં 2 કલાકમાં પોણા 3 સાથે આજે સવા 4 ઈંચ ધોધમાર વરસાદ, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ

આજે ગુજરાતના 46 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડાના નડિયાદમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ ખાબક્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 28 Sep 2025 06:40 PM (IST)Updated: Sun, 28 Sep 2025 06:40 PM (IST)
bharuch-news-157-taluka-get-rain-across-the-gujarat-till-6-pm-on-28th-september
HIGHLIGHTS
  • આજે ગુજરાતના 157 તાલુકામાં મેઘમહેર
  • નર્મદાના દેડીયાપાડામાં 101 મિ.મી વરસાદ ખાબક્યો

Bharuch: બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ મજબૂત લો-પ્રેશરમાં ફેરવાઈને ગુજરાત માથે આવી છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 2 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

અંકલેશ્વરમાં 106 મિ.મી વરસાદ વરસ્યો
આજે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જે પૈકી સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 106 મિ.મી (4.17 ઈંચ) ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, 70 મિ.મી (2.7 ઈંચ) વરસાદ તો વીતેલા બે કલાકમાં જ તૂટી પડ્યો હતો.

આ સિવાય ઝઘડિયા તાલુકામાં 73 (2.8 ઈંચ), ભરૂચ શહેરમાં 72 મિ.મી (2.8 ઈંચ), વાલિયામાં 49 મિ.મી (1.9 ઈંચ), હાંસોટમાં 47 મિ.મી (1.8 ઈંચ), નેત્રંગમાં 44 મિ.મી (1.7 ઈંચ), વાઘરામાં 12 મિ.મી, જંબુસરમાં 9 મિ.મી., આમોદમાં 6 મિ.મી વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, નર્મદાના દેડિયાપાડામાં 101 મિ.મી (3.9 ઈંચ), સુરતના ઉમરપાડા અને વલસાડના કપરાડામાં 78 મિ.મી (3.07 ઈંચ), દાહોદના દેવગઢ બારિયામાં 65 મિ.મી (2.5 ઈંચ), ડાંગના સુબીરમાં 57 મિ.મી (2.2 ઈંચ) વરસાદ નોંધાયો છે.

આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 46 તાલુકામાં 1 ઈંચથી વધુ, 11 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 5 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

જ્યારે બપોરે 4 થી સાંજના 6 વાગ્યા સુધીના છેલ્લા 2 કલાકના સમયગાળામાં 123 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી ખેડાના નડિયાદમાં 44 મિ.મી (1.7 ઈંચ), પંચમહાલના મોરવાહડફમાં 39 મિ.મી (1.5 ઈંચ) વરસાદ વરસ્યો છે.