Amreli: અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે મીની પ્લેન રન-વેની સાઈડમાં સરક્યું

સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને જોતા તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 28 Sep 2025 06:17 PM (IST)Updated: Sun, 28 Sep 2025 06:17 PM (IST)
amreli-news-pilot-training-center-mini-aircraft-sleep-on-run-way
HIGHLIGHTS
  • પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું મીની એરક્રાફ્ટ લેન્ડિંગ કરતું હતું ત્યારની ઘટના
  • પાયલોટનો જીવ તાળવે ચોંટ્યો, સદ્દનસીબે જાનહાનિ ટળતા હાશકારો

Amreli: અમરેલી એરપોર્ટ પર આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઈ હતી. પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ સમયે રન વેની સાઈડમાં નીચે ઉતરી જતા સરકી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બપોરના સમયે રનવે પર લેન્ડિંગ કરતી વખતે અચાનક એરક્રાફ્ટ નિયંત્રણ બહાર જઈને રનવેની સાઇડમાં ત્રાંસું થઈ ગયું હતું, જેના કારણે તે સરક્યું હતું. આ ઘટનામાં પાયલોટનો જીવ તાળવે ચોંટી ગયો હતો, પરંતુ કોઈ જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એરક્રાફ્ટને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમરેલી એરપોર્ટ પર મિની પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી ચૂકી છે. આ વખતે પણ ઘટના બાદ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઘટનાને છુપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રનવે પર લેન્ડિંગ સમયે સાઇડમાં સરકી ગયેલા એરક્રાફ્ટનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સમગ્ર ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર આગાહીના પગલે તંત્ર સજ્જ થયું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

ગીર સોમનાથ, માંગરોળ, પોરબંદર અને જાફરાબાદ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને ચેતવણી આપવા માટે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. ભારે પવન અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે, જેના પગલે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.