Bharuch Jhagadia GIDC blast: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે ઘટનાસ્થળે પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા અને એક યુવક વચ્ચે ઝપાઝપી અને લાફાવાળી થઈ હતી. આ મામલે, MLA ચૈતર વસાવા સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
રોશન વસાવા સાથે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ પીડિતોને ન્યાય અપાવવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, આ દરમિયાન એક મૃતકના કથિત સંબંધી રોશન વસાવા નામના વ્યક્તિ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલીએ થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ રોશન વસાવા અને અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં હાથાપાઈ તેમજ લાફાવાળી થઈ હોવાની ઘટના સામે આવી હતી, જેનાથી સ્થળ પર તણાવમાં વધુ વધારો થયો હતો.
ચૈતર વસાવા સામે 3 FIR, સેન્સિટિવ કેટેગરીમાં મૂકી
આ ઘટના બાદ ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સામે કુલ ત્રણ અલગ-અલગ ફરિયાદ (FIR) નોંધી છે. આ ફરિયાદોમાં રોશન વસાવાને માર મારવો, સરકારી કામકાજમાં દખલગીરી કરવી અને કંપનીના પરિસરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા સહિતના આરોપ છે.
પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ત્રણેય FIR ને સેન્સિટિવ કેટેગરીમાં મૂકી છે. હાલમાં ઝઘડિયા GIDC પોલીસ દ્વારા આ ઘટનાની વિગતવાર તપાસની સાથે સંબંધિત લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઈસુદાન ગઢવીનો આરોપ, "જેલમાં નાખવાનું ષડયંત્ર"
આ ઘટનાને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કંપનીની બેદરકારીને લીધે કામદારોના જીવ ગયા છે, તેથી ખરેખર તો કંપની પર માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ.
ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે, શ્રમિકો માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કંપનીના લોકોએ ખરાબ વર્તન કર્યું હતું, અને હવે તંત્ર દ્વારા ચૈતર વસાવા પર 3 ફરિયાદ દાખલ કરીને તેમને જેલમાં નાખવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ધારાસભ્ય ચૈતર વસાવાએ પિત્તો ગુમાવી યુવકને ઝીંક્યો લાફો, સામે મૃતકના સંબંધીએ પણ તમાચો માર્યો!
ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું કે, તાજેતરમાં એક જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયતમાં AAPની જીત થતા ભાજપ ડરી ગયું છે, જેના કારણે પોલીસ અને ભાજપ નિમ્નકક્ષાની રાજનીતિ રમી રહ્યા છે. સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો શ્રમિકોના ન્યાય માટે અવાજ ઉઠાવવો ગુનો હોય, અને જરૂર પડી તો ચૈતરભાઈ આગામી દિવસોમાં મોટું આંદોલન પણ શરૂ કરશે.
શું હતો બ્લાસ્ટનો બનાવ?
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં ગત 23 એપ્રિલના રોજ ભીષણ બ્લાસ્ટ થયો હતો, જે બાદ આગ પણ લાગી હતી. આ દુર્ઘટનામાં 2 કામદારોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 13 થી વધુ શ્રમિકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
