Chaitar Vasava Slapping Video: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં ગત 23 એપ્રિલે થયેલા ભીષણ બ્લાસ્ટ અને આગની ઘટનાએ હવે હિંસક વળાંક લીધો છે. આ દુર્ઘટનામાં 2 કામદારોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 13 થી વધુ શ્રમિકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ દરમિયાન પીડિતોને ન્યાય અપાવવા પહોંચેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને એક મૃતકના કથિત સંબંધી વચ્ચે પોલીસની હાજરીમાં જ ઝપાઝપી અને લાફાવાળી થતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
MLA ચૈતર વસાવાને જાહેરમાં લાફો પડ્યો..
— Sagar Patoliya (@kathiyawadiii) April 27, 2026
MLA ચૈતર વસાવાએ પીડિત પરિવારના યુવકને લાફો માર્યો અને સામે યુવકે પણ ચૈતર વસાવાને લાફાવાળી કરી.
ભરૂચમાં વળતરના મુદ્દે નેતાગીરી કરવા ગયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લાફાના બદલે લાફો પડ્યો!
બે-ત્રણ દિવસ પહેલા એક કંપનીમાં આગ… pic.twitter.com/tBtHv8PGa1
શું છે સમગ્ર વિવાદ?
ગઈકાલે 27 એપ્રિલના રોજ ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારો અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે કંપનીના ગેટ પર પહોંચ્યા હતા. તેમની મુખ્ય માગણી મૃતકોના પરિવારને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવાની અને ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ કંપની ઉઠાવે તેવી હતી.
પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે ચૈતર વસાવા ગેટ પરથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે મૃતક રાકેશ વસાવાના કથિત કૌટુંબિક ભાઈ રોશન વસાવાએ ચૈતર વસાવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રોશન વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, "ધારાસભ્ય પરિવારને ન્યાય અપાવવા નહીં, પણ કંપની પાસેથી નાણાં વસૂલવા (સેટિંગ કરવા) આવ્યા છે." આ ઉગ્ર બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ પિત્તો ગુમાવી રોશનને લાફો ઝીંકી દીધો હતો. વળતા પ્રહારમાં રોશન વસાવાએ પણ ધારાસભ્યને લાફો માર્યો હતો અને લાકડી તેમજ જૂતા વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસની હાજરીમાં હિંસક દ્રશ્યો સર્જાયા હતા
આ આખી ઘટના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વાઘેલાની હાજરીમાં બની હતી. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ અધિકારી વીડિયો ઉતારવાની સૂચના આપી રહ્યા હતા, પરંતુ હિંસા રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. બાદમાં સ્થિતિ વધુ તંગ બનતા પોલીસે બળપ્રયોગ (લાઠીચાર્જ) કરીને ટોળાને વિખેરવાની ફરજ પડી હતી. હાલ રોશન વસાવાને કાનમાં ઈજા થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે અને તે ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યો છે.
જાણો ચૈતર વસાવાએ શું કહ્યું
આ બનાવ અંગે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, "મૃતકના ભાઈ અરુણભાઈનો ફોન આવ્યો હોવાથી અમે ત્યાં ગયા હતા. બે દિવસથી ડેડબોડી કોહવાઈ રહી છે પણ મેનેજમેન્ટ મળવા તૈયાર નથી. પોલીસે અગાઉથી જ એક માણસને (રોશનને) તૈયાર રાખ્યો હતો જેણે મને ઉશ્કેર્યો અને ઝપાઝપી કરી. કંપનીના માલિકોને બચાવવા માટે પોલીસ આ પ્રકારના 'પ્લાન્ટેડ' વીડિયો બનાવડાવી રહી છે."
દુર્ઘટનાની ભયાનકતા વિશે જાણો
23 એપ્રિલે થયેલા બ્લાસ્ટ બાદ કંપનીની હાલત ભયાનક છે. 25 અને 27 એપ્રિલે સારવાર દરમિયાન બે શ્રમિકોએ દમ તોડ્યો છે. કુલ 15-16 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે, જેમાંથી 9 જણા 70% થી વધુ દાઝી ગયા હોવાથી તેમના બચવાની શક્યતા ઓછી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે. ઈજાગ્રસ્તો હાલ સુરત, બરોડા અને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કંપનીની બેદરકારી અને વળતરનો મુદ્દો ઉઠ્યો
ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે 5 દિવસ વીતવા છતાં કંપનીનું મેનેજમેન્ટ પીડિતોને મળવા આવ્યું નથી. મેનેજર ફોન પર ખોટા બહાના કાઢી રહ્યા છે. બીજી તરફ, કંપની મેનેજમેન્ટે યોગ્ય વળતરની જાહેરાત કરી છે, પરંતુ તે સરકારી ધારાધોરણ મુજબ હશે કે ધારાસભ્યની માગ મુજબ, તે હજુ સ્પષ્ટ નથી.
