ખેડા કપડવંજ બ્લાસ્ટ કેસ: 11 દિવસ બાદ ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી માલિક મિતુલ પટેલ ઝડપાયો, રિમાન્ડ બાદ મોટા ખુલાસા થવાની શક્યતા

ખેડા જિલ્લાના કપડવંજ કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 11 દિવસથી ફરાર ફેક્ટરી માલિક મિતુલ પટેલની પોલીસે ધરપકડ કરી. રિમાન્ડ દરમિયાન ગેરકાયદેસર કેમિકલ સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 09 Jul 2026 02:20 PM (IST)Updated: Thu, 09 Jul 2026 02:20 PM (IST)
kheda-kapadwanj-blast-case-mitul-patel-arrested-illegal-chemical-factory-owner

Kapadwanj Blast Case: ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં ગત 27 જૂનના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના મામલે આખરે સ્થાનિક પોલીસ અને ખેડા SOGની ટીમને મોટી સફળતા મળી છે. બ્લાસ્ટની ઘટના બાદથી જ કાયદાના સકંજાથી બચવા માટે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા ફેક્ટરી માલિક મિતુલ પટેલને પોલીસે 11 દિવસની સઘન શોધખોળ બાદ ઝડપી પાડ્યો છે.

ફેક્ટરી બ્લાસ્ટમાં મજૂરોના મોત થયાં

અગાઉ 27 જૂનના રોજ કપડવંજ વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આખી ફેક્ટરીનું પાકું માળખું પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગયું હતું. આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં હાજર બે મજૂરો આગની વિકરાળ જ્વાળાઓમાં લપેટાઈ જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. શ્રમિકના મોત બાદ પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ ફેક્ટરી માલિક વિરૂદ્ધ બેદરકારી અને સદોષ માનવવધનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

મિતુલ પટેલે નિયમોને નેવે મૂકીને ફેક્ટરી શરુ કરી

પોલીસ અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગની પ્રાથમિક તપાસમાં જે ચોંકાવનારી વિગતો બહાર આવી છે, તે કાયદાની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. આરોપી મિતુલ પટેલે આ જોખમી કેમિકલ ફેક્ટરી શરૂ કરવા માટે ફેક્ટરી એક્ટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) કે સ્થાનિક વહીવટી તંત્રમાંથી એક પણ પ્રકારની કાયદેસરની મંજૂરી કે NOC મેળવી ન હતી. ફેક્ટરીમાં કોઈ સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું ન હતું કે ન તો ત્યાં આગ બુઝાવવા માટેના ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા હતા. શ્રમિકોના જીવને જોખમમાં મૂકીને તદ્દન ગેરકાયદેસર રીતે કેમિકલ પ્રોસેસિંગનો કાળો કારોબાર ધમધમતો રાખવામાં આવ્યો હતો.

ખેડા SOG એ આરોપીને ઝડપી લીધો

ઘટનાની ગંભીરતાને જોતાં ખેડા SOG દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીના સંભવિત આશ્રયસ્થાનો પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા. ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે અંતે મિતુલ પટેલને દબોચી લીધો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીને ટૂંક સમયમાં જ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને દિવસોના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

રિમાન્ડ દરમિયાન પોલીસ મુખ્યત્વે એ મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરશે. ફેક્ટરીમાં પ્રોસેસિંગ માટે વપરાતું જોખમી કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું, અહીં તૈયાર થતો ગેરકાયદેસર માલ કોને અને કયા ઔદ્યોગિક વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. તેમજ આ કાળા કારોબારને છાવરવામાં અન્ય કયા વચેટિયાઓ કે સ્થાનિક સરકારી અધિકારીઓની મિલીભગત છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે, આરોપીની પૂછપરછમાં આ ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલા અનેક મોટા માથાઓના નામો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.