Aravalli: કોરોના મહામારી પછી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એવું નથી કે, માત્ર વયસ્કને જ હાર્ટ એટેક આવે, કોવિડ બાદ તો સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ હ્રદય રોગનો ભોગ બની રહ્યાં છે. મિત્રો સાથે મજાક-મસ્તી કરતાં, લગ્ન પ્રસંગમાં પીઠી ચોળતા, લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતાં-કરતાં તેમજ મોબાઈલ પર વાતચીત કરતાં લોકો હાર્ટ એટેકથી ઢળી પડીને મોતને ભેટી રહ્યાં છે. આવો જ એક બનાવ મુંબઈમાંથી સામે આવ્યો છે. જેમાં મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજની નજીક રાજસ્થાનના ધંબોલા ગામના અને વર્ષોથી કામ અર્થે મુંબઈ સ્થાયી થયેલા પંડ્યા પરિવારના પુત્રનું લગ્નની આગલી રાતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મેઘરજને અડીને આવેલા ધંબોલા ગામના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના મુકુન્દભાઈ પંડ્યા વર્ષોથી પરિવાર સાથે મુંબઈના દહીસરમાં સ્થાયી થયા છે. જેમાં બે પુત્રો પૈકી ચિંતનના ગત 4 જૂનના રોજ મુંબઈમાં જ લગ્ન લેવાયા હતા. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુરથી મોટી સંખ્યામાં સગા-સબંધીઓ મુંબઈ પહોંચ્યા હતા.
આ પણ વાંચો
લગ્નની આગલી રાતે એટલે કે 3 જૂનના રોજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં વરરાજા ચિંતન રાતે 11 વાગ્યા સુધી પરિવાર અને મિત્રો સાથે ગરબે ઘૂમ્યો હતો. ગરબા પૂરા થયા પછી ચિંતન બાથરૂમમાં ગયો, તે સાથે જ છાતી પર હાથ પકડીને ઢળી પડ્યો હતો. બાથરૂમમાંથી અવાજ આવતા બહાર રહેલા ઘરના સભ્યો દોડ્યા હતા. જો કે ચિંતનને સારવાર અર્થે ખસેડે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતુ.
લગ્નની આગલી રાતે જ વરરાજાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. જ્યાં સવારથી ઢોલ અને શરણાઈના સુર ગુંજતા હતા, ત્યાં રાતે પરિવારની રોક્કળથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતુ.
