Bank Strike September 2026: ઉત્તર ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી દિવસોમાં બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા એક અઠવાડિયામાં 5 દિવસની બેન્કિંગ વ્યવસ્થા તાત્કાલિક લાગુ કરવા અને કામગીરી આધારિત પ્રોત્સાહન યોજનામાં ફેરફાર કરવાની માંગ સાથે દેશવ્યાપી આંદોલન વધારે તેજ કરવામાં આવ્યું છે, ઉત્તર ગુજરાતની વિવિધ બેન્કોના 7 જેટલા કર્મચારી સંગઠનો હળતાળમાં જોડાવવાના હોવાથી ગ્રાહકોને બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે.
ઉત્તર ગુજરાતમાં 5 દિવસીય હડતાળ
બેન્ક યુનિયનો દ્વારા જાહેર કરાયેલી યોજના પ્રમાણે, 26 ઓગસ્ટ 2026ના રોજ અપાયેલી હડતાળની નોટિસ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં કુલ 4 દિવસ કામકાજ બંધ રહેશે, સૌથી પહેલા 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસીય દેશવ્યાપી હડતાળ પાડવામાં આવશે. ત્યારબાજ 28,29, અને 30 સપ્ટેમ્બર દરમ્યાન સતત ત્રણ દિવસ હડતાળ યોજાશે. જો આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા કે બેન્ક મેનેજમેન્ટ દ્વારા માંગણીઓનો ઉકેલ નહીં આવે તો, 26 ઓક્ટોબર 2026છી અનિશ્ચિત મુદતની દેશવ્યાપી હડતાળ શરુ કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.
યુનિયનોએ લગાવ્યો આક્ષેપ
બેન્ક યુનિયનોએ આક્ષેપ લગાવ્યો છે કે,ઈન્ડિયન બેન્ક એસોસિયેશન અને યુનિયનો વચ્ચે 8 માર્ચ 2024ના રોજ કરાર પ્રમાણે અઠવાડિયામાં 5 દિવસ કામકાજ સુનિશ્ચિત કરવા માટે સમજૂતી થઈ ચૂકી હતી. તેમ છતાં સરકારની મંજૂરી મેળવવામાં બિનજરુરી વિલંબ થઇ રહ્યો છે. બીજી તરફ, નવી પીએલઆઈ યોજનાને લઇને પણ બેન્ક કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
બેન્ક યુનિયનોએ રાખી માંગણી
યુનિયનોના જણાવ્યા પ્રમાણે, નવી યોજના અગાઉની સમગ્ર બેન્કના પ્રદર્શન આધારિત સિસ્ટમને બદલે વ્યક્તિગત કામગીરી પર આધારિત બનાવવામાં આવી છે. આ નવું માળખું મુખ્યત્વે સ્કેલ 4થી 8ના ઉચ્ચ અધિકારીઓને જ ફાયદો પહોંચાડે છે. જ્યારે બેન્કના 95 ટકાથી વધુ કર્મચારીઓ આ યોજનાના લાભથી વંચિત રહી જાય છે. યુનિયનોની માંગ છે કે એકતરફી PLI યોજના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને દ્વિપક્ષીય ચર્ચા કરીને તેમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે.
