Rajkot: રાજકોટ શહેરમાં બાળમજૂરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ૧૯ જેટલા બાળકોને પશ્ચિમ બંગાળથી લાવીને તેમની પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું હતું. આ મામલે બી-ડિવિઝન પોલીસે અજીતમૌલા અજમતમૌલા નામના ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસ.ઓ.જી. રાજકોટ શહેરના પો.સબ.ઇન્સ. સલીમખાન ભીખનખાન ધાસુરાને બાતમી મળી હતી કે, મોરબી રોડ પર બેડી ચોકડી પાસે આવેલી જી-33 ગોપાલ રેસિડેન્સી, શેરી નં.1 માં બાબુભાઈ ગેલાભાઈ બાળાના મકાનમાં અજીતમૌલા અજમતમૌલા નામનો વ્યક્તિ પશ્ચિમ બંગાળથી બાળકોને લાવી તેમની પાસે ઇમિટેશનનું તથા મજૂરીનું કામ કરાવી રહ્યો છે. આ બાતમીના આધારે, 6/6/2025 ના રોજ મોડી રાત્રે 12:30 વાગ્યાથી એસ.ઓ.જી. સ્ટાફ અને એ.એચ.ટી.યુ.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. ઝણકાટ સહિતની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મકાનમાંથી 19 બાળકો મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, બાળકોના શરીર પર ઇજાના નિશાન હતા અને પૂછપરછ કરતા બાળકોએ જણાવ્યું કે અજીતમૌલા તેમને લોખંડના રોડથી માર મારતો હતો અને સવારના 9 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી, એટલે કે 14 કલાકથી વધુ સમય, બળજબરીપૂર્વક કામ કરાવતો હતો. તેમને માસિક 5000 રૂપિયા પગાર આપતો હોવાનું પણ સામે આવ્યું છે.
બાળકોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમનું ઇ-સાક્ષ્ય પંચનામું કરવામાં આવ્યું હતું અને બાળકોને સરકારી બાલાશ્રમમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી અજીતમૌલા અજમતમૌલા (ઉંમર આશરે 40, રહે. રાજનગર, સામા કાંઠે, રાજકોટ, મૂળ રહે. સિકારપુર ગામ, પોલીસ સ્ટેશન- કાલના, જિલ્લો- પૂર્વ વર્ધમાન, રાજ્ય- પશ્ચિમ બંગાળ) પોલીસ આવે તે પહેલા જ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 146, જી.પી. એક્ટ કલમ 135, બાળ મજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1936 ની કલમ 3, 7(4), 14 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 અને 79 હેઠળ ગુનો નોંધી, ભાર્ગવકુમાર મનુભાઈ ઝણકાટ, પોલીસ ઇન્સ્પેક્ટરને વધુ તપાસ સોંપવામાં આવી છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
