Fake Liquor Factory Busted: આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક મોટી ઘટના સામે આવી છે. બોરસદના દહેવાણ-ઝાંખરીયાપુરા વિસ્તારમાં એક મકાનની અંદર છૂપી રીતે ધમધમતા નકલી ઈંગ્લીશ દારૂના કારખાનાનો એલસીબી (LCB) પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાડેલી રેડ દરમિયાન લાખો રૂપિયાની કિંમતનો નકલી દારૂ તેમજ તેને બનાવવાની સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસ અને દરોડાની કાર્યવાહીમાં સ્થળ પરથી આશ્ચર્યજનક વિગતો બહાર આવી છે. મકાનની અંદરથી મોટા પ્રમાણમાં એટલે કે કુલ ૫૭૫ લીટર આલ્કોહોલિક સ્પીરિટ મળી આવ્યું છે, જેનો ઉપયોગ નકલી દારૂ તૈયાર કરવા માટે મુખ્ય ઘટક તરીકે થતો હતો.
આ પણ વાંચો
આ ઉપરાંત સ્થળ પરથી નકલી ઈંગ્લીશ દારૂના તૈયાર 21 ક્વાર્ટર, 1514 ખાલી કાચની બોટલો, બોટલો પર લગાવવાના નકલી સ્ટીકરના રોલ તેમજ 64 નંગ ઢાંકણ પણ મળી આવ્યા છે. આટલા મોટા જથ્થાની હાજરી દર્શાવે છે કે, આ કોઈ છૂટોછવાયો કે છૂપો ધંધો નહોતો, પરંતુ લાંબા સમયથી આ સ્થળેથી સુવ્યવસ્થિત રીતે નકલી દારૂનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ રેડમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, બુટલેગરો દ્વારા સ્પીરિટમાં અલગ-અલગ પ્રકારના કલર અને કેમિકલ એસેન્સ ભેળવીને અસલી જેવો દેખાતો નકલી ઈંગ્લીશ દારૂ તૈયાર કરવામાં આવતો હતો. જે બાદ આ પ્રવાહીને ખાલી કાચની બોટલોમાં ભરીને તેના પર જાણીતી બ્રાન્ડના નામે નકલી સ્ટીકરો અને ઢાંકણ લગાવીને તેને અસલી પ્રોડક્ટ તરીકે બજારમાં ધકેલવામાં આવતી હતી.
જપ્ત કરાયેલી સામગ્રી અને નકલી સ્ટીકરોના આધારે પોલીસને શંકા છે કે આ કારખાનામાં 'મેકડોવેલ્સ નંબર-૧' જેવી પ્રખ્યાત બ્રાન્ડના નામે નકલી દારૂ બનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી અને તેને અસલી બ્રાન્ડના દારૂ તરીકે વેચવામાં આવતો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આણંદ એલસીબી પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ નકલી દારૂનું નેટવર્ક કેટલા સમયથી સક્રિય હતું, આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ કારખાનામાં બનેલો નકલી દારૂ બોરસદ કે આસપાસના કયા-કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો.
આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, જેથી આ ગેરકાયદેસર વેપલા સાથે જોડાયેલા તમામ લોકો કાયદાના સળિયા પાછળ ધકેલાઈ શકે.
