Anand Crime News: આણંદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિનો સફાયો કરવા માટે પોલીસ પ્રશાસને સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખેતરમાં ચાલતા ગેરકાયદેસર જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પાંચ જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ખેતરમાં પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક
આ પણ વાંચો
આ અંગે મળતી વિગત અનુસાર, આણંદ LCB પોલીસ ટીમને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, અહેમદનગર ભુલાઈ કોલોની નજીકના એક સીમના ખેતરમાં કેટલાક ઇસમો એકઠા થઈને મોટા પાયે પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે વ્યૂહાત્મક આયોજન કર્યું અને ખેતરની ચારેય તરફથી ઘેરાબંધી કરીને અચાનક દરોડો પાડ્યો હતો.
પાંચ આરોપીઓ સાથે મુદ્દામાલ જપ્ત
પોલીસની એન્ટ્રીથી નાસભાગ મચી ગઈ, પરંતુ સજ્જડ નાકાબંધીના કારણે પાંચેય આરોપીને ઘટનાસ્થળે જ દબોચી લેવાયા હતા. પોલીસે સ્થળ પરથી મનુભાઈ રાવજીભાઈ ઠાકોર, મનુભાઈ ઉર્ફે ભલો રાવજીભાઈ ઠાકોર, શકીલમિયાન મહોમ્મદખાન પઠાણ, શહીદભાઈ ફકીરભાઈ મલેક અને ધીરજકુમાર ઉર્ફે ધોળાભાઈ હિંમતભાઈ ચૌહાણ એમ પાંચ આરોપીની અટકાયત કરી છે.
પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને વાહનો સહિત 3.15 રૂપિયાથી વધુનો મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત જુગાર રમવાના સાહિત્ય અને પત્તા પણ કબજે લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આણંદના અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો હિસ્સો ધરાશાયી, શ્રમિકો ન હોવાથી મોટ દુર્ઘટના ટળી
જુગારધારા હેઠળ ગુનો અને તપાસ
આ સફળ ઓપરેશન બાદ LCB ટીમે તમામ આરોપીઓ અને જપ્ત કરેલા મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. પોલીસે પાંચેય ઇસમો વિરુદ્ધ જુગારધારાની (Gambling Act) વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી છે.
આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ, તે દિશામાં બોરસદ રૂરલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આણંદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, જિલ્લામાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.
