Anand News: આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક શનિવારે સાંજે એક નિર્માણાધિન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. બનાવ સમયે કોઇ શ્રમિકો હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વારા રેલવે સત્તાધિકારીઓ પાસે ટેક્નિકલ રિપોર્ટ માગવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શનિવારે સાંજે 7.30 વાગ્યાના અરસામાં અડાસ ગામ નજીક બનાવવામાં આવી રહેલા રેલવે ઓવરબ્રિજના પિલર પેસેજનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો અને આણંદના પ્રાંત અધિકારી બનાવ સ્થળે પહોંચ્યા હતા. કોઇ ઘટના ન બને એ માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.
#WATCH | Anand, Gujarat: A portion of an under-construction railway overbridge collapses near Adas village. pic.twitter.com/V9u96pLMhY
— ANI (@ANI) May 31, 2026
સમગ્ર ઘટના અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી મયુર પરમારે જણાવ્યું હતું કે, ગતરોજ સાંજે 7.30 વાગ્યાની આસપાસ રેલવે ઓવરબ્રિજનો એક પિલર પેસેજ ધરાશાયી થયો હતો. બનાવને પગલે રેલવેના સત્તાધિકારીઓને તુરંત ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. કયા કારણોસર આ હિસ્સો તૂટ્યો તે જાણવા માટે વિગતવાર ટેક્નિકલ રિપોર્ટ માગવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, જ્યારે આ બનાવ બન્યો ત્યારે બ્રિજ પર નિર્માણનું કોઇ કાર્ય ચાલી રહ્યું ન હતું. શનિવાર હોવાના કારણે સાઇટ પર મજુરો હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતાં અટકી હતી. આણંદ જિલ્લામાં રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અડાસ ગામ પાસે બે બ્રિજ બની રહ્યા છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, બનાવ સંદર્ભે રેલવે વિભાગને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં નિર્માણ હેઠળના અન્ય તમામ માળખાઓની સુરક્ષા અને ગુણવત્તાની કડક તપાસ હાથ ધરવામાં આવે. રેલવે વિભાગના એન્જિનીયરો દ્વારા બ્રિજનો આ ભાગ કેવી રીતે તૂટ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
