Gujarat Rain: બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ દેશમાં વરસાદી ગતિવિધિઓ તેજ બની છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતના ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જો કે અલ નીનોની ઘાતક અસર વચ્ચે પણ ગુજરાતમાં એક મહિના બાદ વરસાદી હલચલ જોવા મળી રહી છે, પરંતુ તેમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી છૂટાછવાયા ભાગોમાં હળવા ઝાપટા જ વરસી રહ્યા છે. એવામાં આજે પણ વહેલી સવારથી રાજ્યના 9 જિલ્લાના 22 તાલુકામાં ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા રહી
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં સહેજ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ખાસ કરીને વલસાડ અને દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી ઝાપટા નોંધાયા છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 16 મી.મી. તેમજ નાના પોંઢામાં 5 મી.મી., ધરમપુરમાં 4 મી.મી., વલસાડમાં 2 મી.મી., વાપીમાં 2 મી.મી. તેમજ ઉમરગામમાં 1 મી.મી વરસાદ નોંધાયો છે.
જ્યારે દાહોદની વાત કરીએ તો, દાહોદ તાલુકામાં સૌથી વધુ 14 મી.મી., ધાનપુરમાં 10 મી.મી., સીંગવડમાં 6 મી.મી., લીમખેડામાં 5 મી.મી., સંજેલીમાં 5 મી.મી, દેવગઢ બારિયામાં 2 મી.મી, ગરબાડામાં 5 મી.મી. છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ભાવનગરના તળાજામાં લાંબા વિરામ બાદ 11 મી.મી. તેમજ જૂનાગઢના મેંદરડામાં 9 મી.મી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
અમદાવાદ સહિત 18થી વધુ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે
હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં પણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર મળીને કુલ 18થી વધુ જિલ્લાઓમાં 5 મી.મી જેટલા હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
