Dakor Janmashtami Celebration:ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીના પાવન અવસરે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સમગ્ર નગરી 'જય રણછોડ, માખણ ચોર' અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' ના નાદથી ગુંજી ઉઠી છે. વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં દૂર-દૂરથી આવેલા ભક્તોએ રણછોડરાયજી મહારાજની મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કૃષ્ણ જન્મોત્સવના આ પર્વ નિમિત્તે મંદિર પરિસરને આશોપાલવના તોરણો અને રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
વહેલી સવારે ભગવાનને પંચામૃત સ્નાન અને કેસર સ્નાન કરાવ્યા બાદ મુગટ સહિતના વિશેષ આભૂષણો અને આયુધો ધારણ કરાવાયા હતા. આજના દિવસે ભક્તોએ શણગાર ભોગ, બાલભોગ તેમજ છપ્પનભોગના દર્શનનો લાભ લીધો હતો.
આજના દિવસના મહત્વ વિશે મંદિરના સેવકે જણાવ્યું હતું કે, રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી અત્યંત શ્રદ્ધાપૂર્વક થાય છે. દિવસભર વિવિધ ધાર્મિક વિધિઓ અને ભોગ અર્પણ કર્યા બાદ, મધરાતે ઉત્સાહ પરાકાષ્ઠાએ પહોંચશે.
રાત્રિના બાર કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની રંગેચંગે ભવ્ય ઉજવણી થશે. આ અલૌકિક અવસરે રાજાધિરાજ રણછોડરાયજીને કિંમતી આભૂષણ અને રત્નજડિત મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે, તેમજ ગોપાલ લાલજી મહારાજને સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે. આ ઉત્સવ વહેલી સવાર સુધી ચાલુ રહેશે.
વડોદરાથી દર્શનાર્થે આવેલા ભક્ત પ્રજ્ઞેશ દરજીએ જણાવ્યું હતું કે ઉત્સવનું આ વાતાવરણ આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રદાન કરનારું છે, અને અહીંની વ્યવસ્થાઓ પણ ઉત્તમ છે. ભક્તોમાં પ્રભુના જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
