Vadodara Accident: વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટની ક્રેને એક મોપેડને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોપેડ પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ માઁ શક્તિ વુડાના મકાન સામે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃતક મહિલા નીતાબેન પોતાના પુત્ર સાથે મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ચાલતી શ્રીનાથજી એજન્સીની ક્રેનના ચાલકે બેફામ અને પુરપાટ ઝડપે વાહન ચલાવી મોપેડ સવારને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં મોપેડ પર પાછળ બેસેલાં નીતાબેન જમીન પર પટકાયા હતા અને ક્રેનના તોતિંગ વ્હીલ નીચે આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે સદનસીબે તેમના પુત્રનો બચાવ થયો હતો. આ અકસ્માત સર્જ્યા બાદ ક્રેન ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો અને રાહદારીઓના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પર ચાલતા બેફામ વાહનો સામે ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાપોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. બાપોદ પોલીસે આ માەલે ગુનો નોંધી ફરાર ક્રેન ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
