ભાવનગરમાં લિવ-ઈનનો લોહીયાળ અંતઃ આડા સબંધની શંકામાં હેવાન બનેલા પ્રેમીએ ઢોરમાર મારી સરેઆમ પ્રેમિકાને ઢાળી દીધી

ભાવનગરમાં એક લિવ-ઈન પાર્ટનરે પોતાની પ્રેમિકા કાજલ બારૈયાની જાહેરમાં ઢોરમાર મારી હત્યા કરી દીધી. પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને ઝડપી પાડ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Sep 2026 07:45 PM (IST)Updated: Fri, 04 Sep 2026 07:45 PM (IST)
bhavnagar-crime-news-woman-brutally-killed-by-live-in-partner-suspecting-affair
HIGHLIGHTS

Bhavnagar: ભાવનગરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક જાહેર રોડ પર એક યુવતીની તેના જ લિવ ઈન પાર્ટનર દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મૃતક યુવતીની માતાએ નીલમબાગ પોલીસ મથકમાં દીકરીના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


'હું જેલમાં હતો, ત્યારે તું બીજા સાથે કેમ બોલતી હતી' કહીને તૂટી પડ્યો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કાજલ બારૈયા નામની યુવતીના 13 વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. જે બાદ છેલ્લા 8 વર્ષથી કાજલ વરતેજના ફૈઝલ ઉર્ફે ખાટકી સાથે મૈત્રીકરાર કરીને રહેતી હતી.

ગઈકાલે બપોરે 3 વાગ્યાની આસપાસ કાજલ ભાવનગર એસ.ટી બસ સ્ટેન્ડ નજીક ઉભી હતી, ત્યારે તેનો લિવ ઈન પાર્ટનર ફૈઝલ ધસી આવ્યો હતો. જેણે 'હું જેલમાં હતો, ત્યારે તું બીજા સાથે કેમ બોલતી હતી?' પૂછીને ઝઘડો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા ફૈઝલે કાજલને ધક્કો મારીને નીચે પટકી હતી, જે બાદ ઢીક્કાપાટુનો ઢોરમાર માર્યો હતો.

ખાસ વાત એ છે કે, ફૈઝલ જાહેરમાં કાજલને ઢોરમાર મારી રહ્યો હતો, ત્યારે આસપાસના લોકો માત્ર તમાશો જોઈ રહ્યા હતા. કોઈએ કાજલને હેવાન બનેલા પ્રેમીની ચુંગાલમાંથી છોડાવવાની તસ્દી લીધી નહતી. આ સમગ્ર ઘટના એસ.ટી. બસ સ્ટેન્ડ નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી કાજલને તાત્કાલિક સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવારના અંતે તેનું મોત નીપજ્યું હતુ.

આ સમગ્ર મામલે મૃતક કાજલની માતાની ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી ફૈઝલની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.