Gujarat Rain Shortage: ગુજરાત વિધાનસભામાં અપૂરતા વરસાદ અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી દુષ્કાળ જેવી પરિસ્થિતિ અંગે ઉઠેલા સવાલોના જવાબમાં, રાજ્ય સરકારે રાજ્યમાં પાણી, વીજળી અને ઘાસચારાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા લેવાયેલા આગોતરા પગલાં અને દુષ્કાળ જાહેર કરવા માટેના કેન્દ્રીય માર્ગદર્શિકાના પાલનની વિગતવાર જાણકારી આપી હતી. માત્ર વરસાદની અસમાનતા કે વરસાદ-વિચલન (Rainfall Deviation) ના આધારે સીધો દુષ્કાળ જાહેર કરી શકાય નહીં. 31 ઓક્ટોબર બાદ સર્વે હાથ ધરવામાં આવ્યા બાદ પાક નુકસાનીની માત્રાના આધારે દુષ્કાળ અંગેનો નિર્ણય લેવામાં આવે છે.
ડો. તુષાર ચૌધરી, અમિત ચાવડા, ડો. કિરીટકુમાર પટેલ અને વિમલભાઈ ચુડાસમાએ નિયમ-116 હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. ચાલુ વર્ષે રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં વરસાદ નહિવત થતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આગામી દિવસોમાં તે વધુ ગંભીર બનવાની શક્યતા છે. આથી, આવા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલાં અંગે માહિતી માંગી હતી. જેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ
તા.03/09/2026ની સ્થિતિએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના અહેવાલ મુજબ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 75.43% (685.53 મી.મી.) વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 103.91% જેટલો વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ અસમાન રહ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકા 6.41%, પોરબંદર 18.12%, જામનગર 28.88% અને કચ્છ 29.29% વરસાદ નોંધાયો છે.
વાવેતર વિસ્તાર અને કૃષિ પરિસ્થિતિ
તા.31/08/2026 સુધીના આંકડા મુજબ રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર (85.30 લાખ હેક્ટર) સામે 80.39 લાખ હેક્ટરમાં એટલે કે 94.24% વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્ય પાકો જેવા કે મગફળી (107.99%), કઠોળ (107.17%), સોયાબીન (108.04%), ડાંગર (101.45%) અને કપાસ (90.07%) નું વાવેતર થયું છે.
સિંચાઈ અને પીવાના પાણીની પૂરતી સુવિધા
સરદાર સરોવર ડેમમાં તેની ક્ષમતાના 88.90% પાણી ઉપલબ્ધ છે અને રાજ્યના અન્ય 206 જળાશયોમાં 66.07% જળજથ્થો ઉપલબ્ધ છે, જેમાંથી 36 ડેમ હાઈ એલર્ટ પર છે. નર્મદા બેસીનમાંથી મળેલ પાણીમાંથી પીવાના પાણી માટે 2.0 MAF જથ્થો અનામત રાખીને નર્મદા કમાન્ડ વિસ્તારના 17.38 લાખ હેક્ટરમાં ખરીફ પાક માટે સિંચાઈનું સુચારૂ આયોજન કરાયું છે. આ ઉપરાંત, 'સૌની યોજના' તથા 'સુજલામ સુફલામ' યોજનાઓ થકી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીનું સતત વિતરણ ચાલુ છે.
કૃષિ ક્ષેત્રે વધારાનો વીજ પુરવઠો
ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા કૃષિ વીજ પુરવઠો 8 કલાકના બદલે 2 કલાક વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે. આ સુવિધા હાલમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મહેસાણા, બોટાદ, સાબરકાંઠા સહિત રાજ્યના 21 જિલ્લાઓના 132 તાલુકા-જૂથોમાં અમલમાં છે. માંગ અને પુરવઠા વચ્ચેની તૂટ પૂરવા માટે GUVNL દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2026 માટે વધારાની ટૂંકા ગાળાની વીજ ખરીદી (Short-term Power Purchase) ની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઘાસચારાની રાહતલક્ષી વ્યવસ્થા
રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે જુલાઈ-2026 થી જ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લાઓના કલેક્ટરોને રાહતદરે ઘાસ વિતરણ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે. રાજ્યમાં હાલ 402,54 લાખ કિ.ગ્રા. ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 572 ગામોના 51802 પશુપાલકોના 1,31,505 પશુઓ માટે 31 લાખ કિ.ગ્રા. ઘાસચારાનું રાહતદરે વિતરણ કરી દેવાયું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકોમાં તેમજ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં C.O.S. બેઠકોમાં વરસાદ, પાણી, વીજળી અને ઘાસચારાની સ્થિતિનું દૈનિક અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
દુષ્કાળ જાહેર કરવા અંગેના શું છે માપદંડ
કેન્દ્ર સરકારના 'Drought Management Manual-2016 (Updated 2020)'ની જોગવાઇઓ મુજબ માત્ર વરસાદની અસમાનતા કે વરસાદ-વિચલન (Rainfall Deviation) ના આધારે જ સીધો દુષ્કાળ જાહેર કરી શકાય નહીં. Trigger-1 અને Trigger-2 હેઠળ વરસાદ, વાવેતર વિસ્તાર (Crop Sowing), NDVI(Normalized Difference Vegetation Index), માટીનો ભેજ (Soil Moisture) અને ભૂગર્ભજળ સ્તર જેવા સૂચકાંકો પૂર્ણ થયા બાદ ખરીફ ઋતુના અંતે લણણી પહેલાં (31 ઓક્ટોબર સુધીમાં) અસરગ્રસ્ત ગામોમાં GPS/સ્માર્ટફોન એપથી 10% ભૌતિક ચકાસણી (Ground Truthing) હાથ ધરવાની હોય છે. જેમાં પાક નુકશાનીની માત્રાના આધારે દુષ્કાળ અંગેનો નિર્ણય લેવામાં આવે છે.
કેન્દ્ર સરકારના Manual for Drought Management, 2016 મુજબ વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને Ground Truthing બાદ યોગ્ય નિર્ણય લેવાનો થાય છે. આમ, દુષ્કાળ જાહેર કરવાથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાના થતા પગલાઓ જેમ કે, ઘાસચારાનું રાહત દરે વિતરણ, પીવા અને સિંચાઈ માટે પાણીની પુરતી સુવિધાઓ, વીજળીની પૂરતી ઉપલબ્ધતા આ તમામ બાબતે વિશેષ ચિંતા કરી અગાઉથી જ કામગીરી કરવામાં આવી રહી છે અને આમ છતા, પરીસ્થિતિ ને અનુરૂપ રાજ્યની જનતાના હિતમાં સરકાર નિર્ણય લેવા માટે કટિબધ્ધ છે.
