Raksha Bandhan Special: આણંદ ટપાલ વિભાગ દ્વારા રાખડી સ્પીડ પોસ્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ અને વોટરપ્રૂફ કવરની સુવિધા શરૂ

આણંદ ટપાલ વિભાગે રક્ષાબંધન માટે રાખડી સ્પીડ પોસ્ટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ અને વોટરપ્રૂફ કવરની સુવિધા જાહેર કરી છે. આ યોજના 26 ઓગસ્ટ 2026 સુધી આણંદ ડિવિઝનમાં લાગુ પડશે, જેથી રાખડીઓ સુરક્ષિત અને સમયસર પહોંચે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 23 Aug 2026 10:09 PM (IST)Updated: Sun, 23 Aug 2026 10:09 PM (IST)
anand-postal-department-raksha-bandhan-special-launches-waterproof-covers-and-discount-for-rakhi-speed-post
HIGHLIGHTS
  • રાખડીના કવર પર 'રાખડી' અથવા 'RAKHI' શબ્દ સ્પષ્ટપણે અને મોટા અક્ષરોમાં લખવું અનિવાર્ય

Anand Postal Department Rakhi Special: આણંદ ટપાલ વિભાગ દ્વારા આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવી રાખડીઓને સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે એક વિશેષ પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સર્વિસ મારફતે મોકલવામાં આવતી રાખડીઓ પર પોસ્ટલ ચાર્જમાં 10 ટકાની વિશેષ છૂટ આપવામાં આવશે. આ વિશેષ સવલત તારીખ 26 ઓગસ્ટ 2026 સુધીના સમયગાળા માટે સમગ્ર આણંદ ડિવિઝનમાં ઉપલબ્ધ રહેશે.

આ અંગે આણંદ ડિવિઝનના વરિષ્ઠ અધિક્ષક તરુણકુમાર પારગીએ જણાવ્યું કે, રક્ષાબંધનએ ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેન વચ્ચેના અતૂટ બંધન અને સ્નેહને વ્યક્ત કરતું પવિત્ર પર્વ છે. ટપાલ વિભાગ લોકોની આ લાગણીઓને સમજે છે અને તેને પ્રોત્સાહન આપવા માટે સ્પીડ પોસ્ટ સેવા પર આ વિશેષ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ટપાલ વિભાગનું વિશાળ અને મજબૂત નેટવર્ક રાખડીઓને દેશના કોઈપણ ખૂણે અત્યંત ઝડપી અને સલામત રીતે પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

આ સુવિધાનો લાભ મેળવવા ઈચ્છતા ગ્રાહકોએ રાખડી મોકલવા માટેના કવર પર 'રાખડી' અથવા 'RAKHI' શબ્દ સ્પષ્ટપણે અને મોટા અક્ષરોમાં લખવો અનિવાર્ય રહેશે. આ 10 ટકાની રાહત માત્ર સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સર્વિસ હેઠળ બુક કરવામાં આવેલા આર્ટિકલ્સ પર જ મળવાપાત્ર થશે.

આ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાખડીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે માટે ટપાલ વિભાગ દ્વારા વિશેષ વોટરપ્રૂફ રાખડી કવરનું વેચાણ પણ પોસ્ટ ઓફિસોમાં શરૂ કરવામાં આવ્યું છે, જે ગ્રાહકોને નજીવા દરે ઉપલબ્ધ થશે.

ટપાલ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ વિશેષ વળતર યોજનાનો લાભ લેવા અને ઇન્ડિયા પોસ્ટની વિશ્વસનીય તથા સમયબદ્ધ સેવાઓનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આણંદ ડિવિઝન હેઠળની તમામ પોસ્ટ ઓફિસોમાં આ સુવિધા નિર્ધારિત તારીખ દરમિયાન કાર્યરત રહેશે.