Anand: ઉમેટા બ્રિજ પરથી મહીસાગર નદીમાં યુવકની મોતની છલાંગ, રહસ્યમય પગલાથી ચકચાર, શોધખોળ જારી

આણંદમાં આવેલા ઉમેટા બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે મહીસાગર નદીમાં છલાંગ લગાવી દીધી હતી, જેને શોધવા પોલીસ અને ફાયર ટીમે શોધખોળ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 02 May 2026 11:36 AM (IST)Updated: Sat, 02 May 2026 11:36 AM (IST)
anand-news-umeta-bridge-mahisagar-river-youth-suicide-jump-search-operation

Anand News: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ઉમેટા બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે રહસ્યમય સંજોગોમાં મહીસાગર નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દિધી હતી.જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને નજરે જોનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને જોતજોતામાં બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે જ્યારે એક્સપ્રેસ હાઈવે અને આસપાસના વિસ્તારોમાંથી વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક યુવક બ્રિજની રેલિંગ પર ચઢતો દેખાયો હતો. કશું વિચારે તે પહેલા જ આ યુવકે નદીના ધસમસતા પ્રવાહમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. નદીમાં કૂદયા પછી તે પાણીના તેજ પ્રવાહમાં ક્ષણવારમાં જ લાપતા થઈ ગયો હતો. ઘટનાને પગલે વાહનચાલકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

તંત્ર દ્વારા યુવકની શોધખોળ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તુરંત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે, નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી અને ઊંડાણ વધુ હોવાને કારણે રેસ્ક્યૂ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ નડી રહી છે.

આત્મહત્યાનું કારણ અકબંધ

પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. યુવક ક્યાંનો રહેવાસી હતો અને તેણે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યુ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે બ્રિજ પર બિનવારસી હાલતમાં પડેલા વાહન કે અન્ય વસ્તુઓ દ્વારા યુવકની ઓળખાણ કરવાની કાર્યવાહી કરી છે.

બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ

ઘટનાને કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ ઉમેટા બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરી શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. યુવકના પરિવારજનોનો સંપર્ક કરવા માટે આસપાસના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરવામાં આવી છે.