Anand: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે. 83 વર્ષીય ગોવિંદ પરમારને હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ આણંદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધારાસભ્ય ગોવિંદ પરમારને આજે સવારના સમયે હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બાબતની જાણ થતાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી ગયા હતા.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઉમરેઠના ધારાસભ્યના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે.
ગોવિંદભાઈ પરમાર લાંબા સમયથી જાહેર જીવનમાં સક્રિય રહ્યા હતા અને લોકો વચ્ચે લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા હતા. તેઓએ પોતાના રાજકીય જીવન દરમિયાન લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. તેઓ અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત વિધાનસભા સુધી પહોંચ્યા હતા.
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું.
— Jagdish Vishwakarma (@iJagdishBJP) March 6, 2026
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ. 🙏
ગોવિંદ પરમારની રાજકીય સફર જોઈએ તો સૌ પ્રથમ 2002ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ તરીકે ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. જે બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર લડતા ગોવિંદ પરમારે કોંગ્રેસના કપિલાબેન ચાવડા સામે 1883 મતની ટૂંકી સરસાઈથી વિજય મેળવ્યો હતો.
જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ફરીથી તેમને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ઉમરેઠ બેઠક પર ગોવિંદ પરમારે 95,639 મત મેળવીને કોંગ્રેસના જયંત પટેલ બોસ્કીને હરાવીને ફરીથી વિધાનસભા પહોંચ્યા હતા.
રાજકીય કારકિર્દી દરમિયાન ગોવિંદભાઈ પરમાર ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. વર્ષ 2002માં તેઓ રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા અને વિવિધ વિકાસકાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ તેમની સાદગી, સરળ સ્વભાવ અને જનસેવા માટે જાણીતા હતા, જેના કારણે તેઓ વિસ્તારના લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા.
ગોવિંદભાઈ પરમારના નિધનથી ભાજપે એક મજબૂત અને અનુભવી નેતા ગુમાવ્યો છે, જ્યારે સ્થાનિક જનતાએ પોતાના વિસ્તારમાં વિકાસ માટે સતત કાર્યરત રહેલા પ્રતિનિધિને ગુમાવ્યો છે. તેમના અવસાનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
