Amreli: મોટા દેવળિયા ગામે ચેકડેમમાં ડૂબવાથી 4 યુવકોના મોત, ચાંચ બંદર ખાતે ગણેશ વિસર્જન વખતે તણાયેલો યુવક દરિયામાં ગુમ

અમરેલી જિલ્લામાં આજે ડૂબવાની બે અલગ-અલગ ઘટનાઓમાં 4 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે એક યુવક હજુ પણ લાપતા છે, તેમજ ત્રણ યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો છે. મોટા દેવળિયા ગામના ચેક ડેમમાં ન્હાવા પડેલા યુવકો ડૂબ્યા, જ્યારે બીજો બનાવમાં ચાંચ બંદર ખાતે ગણેશ વિસર્જન વખતે બની હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Sep 2026 10:06 PM (IST)Updated: Fri, 25 Sep 2026 10:06 PM (IST)
amreli-tragedy-4-youths-drown-in-check-dam-at-mota-devaliya-1-missing-during-ganesh-visarjan
HIGHLIGHTS
  • દરિયામાં લાપત્તા બનેલા યુવકની શોધખોળ માટે કોસ્ટગાર્ડની મદદ લેવાઈ

Amreli Drowning Incident: અમરેલી જિલ્લામાં આજે ડૂબી જવાના બે અલગ-અલગ બનાવોમાં 4 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ ઊંડા પાણીમાં ગરકાવ થયેલા એક યુવકની શોધખોળ ચાલી રહી છે.

કાંઠા પર કપડા જોઈને સ્થાનિક તરવૈયાઓ તપાસ કરતાં ચેકડેમમાંથી મૃતદેહ મળ્યા

પ્રથમ બનાવ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં ગામના ચેકડેમમાં ચાર યુવકો નહાવા માટે ઉતર્યા હતા. જો કે પાણીની ઊડાઈનો અંદાજો ના રહેતા, ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ગણેશ વિસર્જન માટે ગ્રામજનો ચેક ડેમ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે કાંઠા પર કપડા જોતા તેમને શંકા ગઈ હતી. જે બાદ સ્થાનિક તરવૈયાઓએ ચેક ડેમમાં તપાસ કરતાં એક પછી એક ચારેય યુવકોના મૃતદેહો હાથ લાગ્યા હતા. આ બાબતની જાણ થતાં બાબરા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં ચારેય યુવકોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ કનુભાઈ શિંગાળા, સચિન શિંગાળા ( બન્ને રહે. મોટા દેવળિયા ગામ), ભલા જેઠવા, કેવિન જેઠવા (બન્ને રહે. નવાગઢ, જેતપુર) તરીકે થઈ છે.

ચાંચ બંદર ખાતે ગણેશ વિસર્જન કરતાં 4 યુવકો દરિયામાં તણાયા

બીજો બનાવ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં અહીંના ચાંચ બંદર ખાતે ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો દરિયામાં ખેંચાઈ ગયા હતા. જો કે સ્થાનિક લોકોએ તાત્કાલિક ત્રણ યુવકોને બચાવી લીધા હતા. જો કે એક યુવક હજુ પણ દરિયામાં લાપત્તા છે. આ ઘટનાની જાણ થતાં મામલતદાર, TDO અને પીપાવાવ મરીન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં દરિયામાં ગુમ થનારા યુવકની ઓળખ વીરસિંગ ગુજરિયા તરીકે થઈ છે. હાલ તો યુવકની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓ ઉપરાંત કોસ્ટગાર્ડની મદદ પણ લેવામાં આવી છે.