ગુજરાતમાં શિયાળાનો જોરદાર ચમકારો! અમરેલી 11.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, જાણો 8 શહેરોનું તાપમાન

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. અમરેલીમાં 11.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું, જ્યારે 8 શહેરોમાં પારો 14 ડિગ્રીથી નીચે રહ્યો. માઉન્ટ આબુમાં 0 ડિગ્રી અને આગામી દિવસોની હવામાન આગાહી જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 22 Nov 2026 08:10 AM (IST)Updated: Sun, 22 Nov 2026 08:10 AM (IST)
gujarat-winter-cold-wave-amreli-temperature-8-cities-mount-abu-zero-degree

Gujarat Weather: ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં શિયાળાની કડકડતી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. ઉત્તર-પૂર્વીય ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં ઠંડીનું જોર ખૂબ જ વધ્યું છે. ગુજરાતના આઠ જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. જેમાં અમરેલી 11.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. બીજી તરફ, ગુજરાતીઓના મનપસંદ પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ સિઝનમાં પ્રથમ વખત પારો શૂન્ય ડિગ્રીએ પહોંચતા ઘાસ, ફૂલો અને વાહનોના કાચ પર બરફની પરત જામી ગઈ છે.

ઠંડી વધવાનું મુખ્ય કારણ?

હવામાન વિભાગના આંકડા અને વિશ્લેષણ પ્રમાણે, રાજ્યમાં ઠંડી વધવા પાછળ બે મુખ્ય સિસ્ટમની અસર જોવા મળી રહી છે. હાલમાં ગુજરાત તરફ નીચલા સ્તરે ઉતર-પૂર્વીય દિશામાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને સાંજે 28 ટકા જેટલું રહી ગયું છે. જ્યારે બીજા કારણની વાત કરીએ તો, આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ટકરાયેલું અકવાન વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. જ્યારે ઉતર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ બંને સિસ્ટમને કારણે પવનોની દિશા બદલાઈ છે અને ઠંડા પવનોની ગતિ તેજ બની છે.

અમરેલીમાં ઠંડીનો ચમકારો, માઉન્ટ આબુમાં 0 ડિગ્રી

માઉન્ટ આબુમાં છેલ્લા 16 વર્ષમાં બીજી વખત નવેમ્બર માસમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીએ નોંધાયું છે. અગાઉ ગત વર્ષે 17 નવેમ્બર 2025ના રોજ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં માઉન્ટ આબુમાં 15 દિવસનો દિપાવલી બમ્પર સીઝન મહોત્સવ ચાલી રહ્યો હોવાથી ગુજરાતીઓ કડકડતી ઠંડી અને બરફીલા વાતાવરણમાં મોજ માણવા ઉમટી પડ્યા છે. જ્યારે ગુજરાતના વેધરની વાત કરીએ તો, અમરેલી બાદ કચ્છનું નલિયા 11.8 ડિગ્રી સાથએ બીજા ક્રમે ઠંડું રહ્યું છે. આ ઉપરાંત ડીસામાં 16 ડિગ્રીની ઠંડી વચ્ચે ધુમ્મસની ચાદર જોવા મળી હતી.

શહેર

લઘુત્તમ તાપમાન (°C)

અમરેલી

11.4

નલિયા

11.8

ગાંધીનગર

12.0

કંડલા એરપોર્ટ

12.0

રાજકોટ

13.2

જૂનાગઢ

13.2

વડોદરા

13.4

કેશોદ

13.8

આગામી 24 કલાકની આગાહી અને ક્લાઈમેટ ચેન્જની અસર

હવામાનની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ક્રમશઃ વધારો થઈ શકે છે. અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

બીજી તરફ, સરકારના 'ક્લાઈમેટ ટ્રેકર ડેટા'માં લાંબા ગાળાની ચિંતાજનક આગાહી પણ સામે આવી છે. હાલમાં શિયાળા (ડિસેમ્બરથી ફેબ્રુઆરી)નું સરેરાશ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહે છે, જે વર્ષ 2030 સુધીમાં 1 થી 2 ડિગ્રી વધવાનું અને ઠંડીના દિવસો ઘટવાનું અનુમાન છે. આ અસર 21મી સદીના અંત સુધીમાં શિયાળાનું સરેરાશ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચાડી શકે છે.