Amreli Leopard Attack: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક વન્યજીવોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે સીમ વિસ્તારમાં એક ખેત મજૂર પરિવારના 6 વર્ષના માસૂમ બાળક પર દીપડાએ ખૂની હુમલો કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હનુમાન ખીજડીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ખેત મજૂરી કરતા રજાકભાઈનો 6 વર્ષીય પુત્ર છયારામ વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. આ દરમિયાન નજીકમાં કપાસના પાકમાંથી અચાનક ધસી આવેલા દીપડાએ માસૂમ બાળક પર તરાપ મારી હતી.
દીપડાએ બાળકને ઝડપી લેતા બાળકની ચીસાચીસ સાંભળી નજીકમાં કામ કરી રહેલા તેના પિતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પિતાએ અવાજ કરી પ્રતિકાર કરતાં દીપડો બાળકને છોડીને ખેતરોમાં નાસી છૂટ્યો હતો.
આ હુમલામાં બાળકના માથાના ભાગે દીપડાના નહોર અને દાંત વાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકને તાબડતોબ સારવાર અર્થે વડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની નાજુક સ્થિતિને ધ્યાને રાખી વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે. નાના એવા ગામમાં સીમ વચ્ચે બનેલી આ ઘટનાથી ગ્રામજનો તેમજ ખેત મજૂરોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
