Amreli: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માલકનેસ ગામમાં ખુંખાર સિંહે આધેડ વ્યક્તિ પર હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખાંભા તાલુકાના માલકનેસ ગામમાં રહેતા મનુભાઈ સુખાભાઈ જાદવ ગઈકાલે રાતના સમયે પોતાની વાડીમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જંગલમાંથી ધસી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યો હતો. સિંહે મનુભાઈના માથાના ભાગે પંજો (ન્હોર) મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
આથી ઈજાગ્રસ્ત મનુભાઈને રક્તરંજિત હાલતમાં સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવા અને હુમલા પાછળના કારણો જાણવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
