જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસરનો પગરવઃ ખાખડી કેરીની આવક સાથે સિઝનનો મંગલ પ્રારંભ, 20 કિલોનો ભાવ 1800 થી 2000 બોલાયો

આગામી 20 દિવસ બાદ કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો આવશે અને 40 થી 45 દિવસમાં જૂનાગઢનું માર્કેટ યાર્ડ કેસર કેરીના બોક્સથી છલકાઈ ઉઠશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Mar 2026 04:14 PM (IST)Updated: Thu, 05 Mar 2026 04:14 PM (IST)
sweet-kesar-mango-season-starts-in-junagadh-khakhadi-mango-creates-buzz-in-market
HIGHLIGHTS
  • અત્યાર સુધીમાં સિઝનની 18 થી 20 હજાર જેટલી ખાખડી કેરી યાર્ડમાં ઠલવાઈ

Junagadh: સૌરાષ્ટ્રના રસિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે મધમીઠી કેસર કેરીની સિઝનનો જૂનાગઢમાં વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂનાગઢના શાકભાજી અને ફળફળાદી સબ માર્કેટિંગ યાર્ડમાં હાલ 'ખાખડીની આવક જોરશોરથી શરૂ થઈ છે.

જો કે આ વર્ષે વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદની અસરોને કારણે મુખ્ય કેસર કેરીની સિઝન ગત વર્ષની સરખામણીએ અંદાજે 10 થી 12 દિવસ મોડી ચાલી રહી છે, આમ છતાં માર્કેટમાં વહેલી આવેલી ખાખડીએ અત્યારથી જ ધૂમ મચાવી દીધી છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ વિગતો આપતા જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી ખાખડી કેરીની ધીમી આવક જોવા મળતી હતી. જો કે છેલ્લા 15 દિવસમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

20 દિવસ બાદ કેસર કેરીની આવક વધશે

અત્યાર સુધીમાં અંદાજે 18,000 થી 20,000 કિલો જેટલી ખાખડી કેરી યાર્ડમાં આવી ચૂકી છે. જે વિસ્તારોમાં આંબા પર વહેલું અને સારું ફ્લાવરિંગ થયું હતું, ત્યાંથી ખેડૂતો હવે ખાખડીનો ઉતારો કરીને માર્કેટમાં ઠાલવી રહ્યા છે. જેમાં 20 કિલોના બોક્સનો ભાવ 1800થી 2000 સુધીનો બોલાયો છે.

યાર્ડના સત્તાધીશોના મતે, આગામી 20 થી 25 દિવસમાં કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો આવવાની પૂરી શક્યતા છે. અંદાજે 40 થી 45 દિવસમાં જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ કેસર કેરીના બોક્સથી છલકાઈ ઉઠશે. અત્યારે ભલે આવક ઓછી હોય, પણ ખેડૂતોને આશા છે કે, સિઝન જામશે ત્યારે સારા ભાવ અને સારી ગુણવત્તા વાળો પાક ઉતરશે.

naidunia_image