Amreli: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગત 25 ઓક્ટોબરથી ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ છવાયો હતો. છેલ્લા એક સપ્તાહથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસામાં પડે તેવો વરસાદ વરસતા અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એવામાં અમરેલી જિલ્લાના જાફરાબાદના ધોળાદ્રી ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક ખેડૂતનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં રહેતા જાદવભાઈ રાઠોડ (55) આજથી બે દિવસ અગાઉ વરસાદ વચ્ચે પોતાના ખેતરમાં ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને લાપત્તા થઈ ગયા હતા.
આ બાબતની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતુ. પાણીમાં તણાઈ ગયેલા ખેડૂતની શોધખોળ માટે NDRFની મદદ લેવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી NDRFની ટીમ પાણીના પ્રવાહમાં જાદવભાઈને શોધી રહી હતી.
બીજી તરફ આ બાબતની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓ પણ લાપત્તા થયેલા ખેડૂતની શોધખોળ માટેના રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયા હતા. આ દરમિયાન બે દિવસની સઘન શોધખોળના અંતે NDRFની ટીમને જાદવભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો છે. ખેડૂતના અકાળે અવસાનના પગલે નાના એવા ધોળાદ્રી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
