Amreli: શિયાળાના આગમન સમયે અરબી સમુદ્રના ડિપ્રેશનના કારણે ખાબકેલા ધોધમાર કમોસમી વરસાદને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. માવઠાના મારથી ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકારે સર્વે કરાવવાની જાહેરાત કરી છે, ત્યારે આજથી કોંગ્રેસ દ્વારા પાક નુકસાનીના વળતર માટે વડિયાથી 'ખેડૂત સત્યાગ્રહ'ની શરૂઆત કરવામાં આવી છે.જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર અને આમ આદમી પાર્ટીને ચાબખા માર્યા હતા.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોએ એક વીઘો ઉત્પાદન માટે 17 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે માવઠાના કારણે ખેડૂતોને વીઘે 50 હજારનું નુકસાન થયું છે.
પરેશ ધાનાણી ખેડૂતો સાથે કપાસ અને મગફળીના ટોપલા લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મામલતદારને આવેદન આપીને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ કરી હતી.
અગાઉ ગોપાલ ઈટાલિયાએ જાહેરાત કરી હતી કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાન બદલ એક હેક્ટરે 50 હજાર રૂપિયા સહાય કરશે, તો હું ઉઘાડા પગે ગાંધીનગર જઈશ.
ગોપાલ ઈટાલિયાની જાહેરાત અંગે પરેશ ધાનાણીએ જણાવ્યું કે, વિસાવદરમાં ખેડૂતોએ તને ખભે બેસાડીને ચૂંટીને મોકલ્યો હતો. અમારા વીઘે 50 હજાર ધોવાયા અને તું 8 હજારમાં સોદો કરી નાંખે છે. ગોપાલ ઇટાલિયાએ દાદાના ખોળે બારોબાર ઉઘાડા પગે મુજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને 8 હજારમાં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે. તમારે વેચાવું હોય, તો વેચાવ બાકી અમારું પેકેજ અમારો ખેડૂત જ નક્કી કરશે. કમોસમી વરસાદથી ખેડૂતોને ગીરવે મૂકવાનું કામ કર્યું છે, તો ખેડૂતો તને માફ નહીં કરે.
આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે વરાછાથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને પણ અભિનંદન આપ્યા હતા. કુમાર કાનાણીએ માવઠાથી પીડિત ખેડૂતો માટે સરકારમાં પત્ર લખ્યો હતો, જે બદલ પ્રતાપ દૂધાતે તેમને બિરદાવતા જણાવ્યું કે, આ ભાજપ-કોંગ્રેસની વાત જ નથી, પરંતુ ખેડૂતોને બચાવવાની વાત છે.
