Amreli: 70 બોટ જાફરાબાદના તોફાની દરિયામાં ફસાઈ, રેસ્ક્યુ માટે 4 હેલિકૉપ્ટર અને NDRFની ટીમ સ્ટેન્ડબાય

દરિયામાં ફસાયેલી કેટલીક બોટનો સંપર્ક થઈ શક્યો નથી. જે માછીમારોને રેસ્ક્યુ કર્યા તેઓ બોલ્યા, આવો દરિયામાં આવો કરંટ ક્યારેય જોયો નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Aug 2025 05:53 PM (IST)Updated: Wed, 20 Aug 2025 05:53 PM (IST)
amreli-news-70-boat-in-jafarabad-sea-helicopter-and-ndrf-team-stand-by-for-rescue
HIGHLIGHTS
  • દરિયો શાંત થતાં રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાશે
  • મુખ્યમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

Amreli: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના કારણે દરિયાકાંઠાની પરિસ્થિતિ ગંભીર બની છે. ગઈકાલે દરિયો અત્યંત તોફાની બનતા જાફરાબાદની બે અને રાજપરાની એક બોટ ડૂબી ગઈ હતી. આ બોટોમાં સવાર 28 માછીમારો પૈકી 17ને બચાવી લેવાયા છે, પરંતુ હજુ પણ 11 માછીમારો લાપતા છે. તેમને શોધવા માટે તંત્ર અને માછીમાર આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, દરિયામાં આજે ગઈકાલ કરતાં પણ વધુ કરંટ હોવાથી કોસ્ટગાર્ડ કે નેવી માટે પણ દરિયામાં જવું શક્ય નથી.

આ ઉપરાંત હવામાન એટલું ખરાબ છે કે, હેલિકોપ્ટર પણ ઉડાન ભરી શકે તેમ નથી. જેના કારણે રેસ્ક્યુ ઓપરેશન અત્યંત મુશ્કેલ બન્યું છે.

માછીમાર આગેવાનોએ માહિતી આપી છે કે, તેમની 500 થી 600 બોટો સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગઈ છે. જો કે હજી પણ 60-70 બોટો દરિયામાં ફસાયેલી છે. એક બોટમાં આઠથી નવ લોકો સવાર હોય છે. આ પૈકી કેટલીક બોટનો સંપર્ક થઈ શક્યો છે, જ્યારે ઘણી બોટનો સંપર્ક થઈ શક્યો નથી.

હીરા સોલંકીએ વધુમાં જણાવ્યું કે, રાત્રે ત્રણ વાગ્યા સુધીમાં બીજી બોટના માછીમારોએ જે લોકોને બચાવ્યા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે ભૂતકાળમાં આવો તોફાની દરિયો ક્યારેય ન જોયો હોવાનું જણાવીને ભગવાનને પ્રાર્થના કરી કે લાપતા થયેલા તમામ માછીમારો સુરક્ષિત મળી આવે.