Amreli: લાઠીમાં આંબરડીમાં આકાશમાંથી મોત ત્રાટક્યું, ખેતરથી ઘરે જઈ રહેલા ખેત મજૂરો પર વીજળી પડતા 5ના મોત

કપાસ વીણવાનું કામ કરતા હતા, ત્યારે જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા 8 લોકો ઘર તરફ જવા નીકળ્યા અને રસ્તામાં વીજળી ત્રાટકી, એકસાથે 5 લોકોના અકાળે મોતથી નાના એવા આંબરડી ગામમાં સોંપો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 19 Oct 2024 07:09 PM (IST)Updated: Sat, 19 Oct 2024 07:09 PM (IST)
amreli-news-5-dead-due-to-lighting-strike-at-aabardi-village-of-lathi
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • દેવીપૂજક પરિવાર પર આભ ફાટ્યું

Amreli: અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એમાંય અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ગાજવીજ સાથે વરસાદ વરસાદ પડી રહ્યો છે. એવામાં આજે અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામમાં આકાશમાંથી વીજળી ત્રાટકકા 5 જેટલા ખેતમજૂરોના મોત થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દેવીપૂજક પરિવારના 5 સભ્યો લાઠી તાલુકાના આંબરડી ગામમાં ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક વાદળો ઘેરાઈને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. આથી દેવીપૂજક પરિવારના 8 સભ્યો ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વીજળી પડતાં 4 બાળકો અને 1 યુવતી સહિત એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે.

આ બાબતની જાણ થતાં તાત્કાલિક 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાંથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલીની હોસ્પિટલ તેમજ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતકોની ઓળખ ભારતીબેન સાંથળીયા (35), શિલ્પા સાંથળીયા (18), રુપાલી વણોદીયા (18),રિદ્ધી સાંથળીયા (5) અને રાધે સાંથળીયા (5) તરીકે થઈ છે. હાલ તો એકસાથે 5 લોકોના અકાળે મોતથી નાના એવા આંબરડી ગામમાં અરેરાટી ફેલાઈ છે.