Amreli: ગયા સપ્તાહે મેઘરાજા કહેર બનીને તૂટી પડ્યા બાદ છેલ્લા પાંચેક દિવસથી વરસાદે એકંદરે વિરામ લીધો હતો. જો કે ગુજરાત માથે વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં 5 દિવસના વિરામબાદ આજે ફરીથી મેઘરાજાનું આગમન થયું છે.
છેલ્લા બે દિવસથી બપોર પછી કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જો આજની વાત કરીએ તો, વહેલી સવારથી વાદળછાયું અને બપોરે બફારા બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 27 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નોંધાયો છે. જ્યાં બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાનના 2 કલાકના ગાળામાં 40 મિ.મી (1.57 ઈંચ) વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આ સિવાય ગીર સોમનાથના ઉનામાં 34 મિ.મી (1.34 ઈંચ), છોટા ઉદેપુરમાં 31 મિ.મી (1.22 ઈંચ), વલસાડના ઉમરગામમાં 27 મિ.મી (1.06 ઈંચ), અમરેલીમાં 18 મિ.મી, રાજકોટના ઉપલેટામાં 11 મિ.મી વરસાદ નોંધાયો છે. આમ આજે આખા દિવસ દરમિયાન 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગુજરાતમાંથી ચોમાસું મોડું વિદાય લેશે અને તે પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. જે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું હોવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.
