Leopard entered house: ગઈકાલે મધરાત્રે નાની ધારી ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક રહેણાંક મકાનમાં રાત્રિના સમયે અચાનક દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, મકાન માલિકે સમયસૂચકતા વાપરી દીપડાને રૂમમાં પૂરી દીધો હતો.
મધરાતે મકાનમાં ઘૂસ્યો દીપડો, પરિવારમાં ફફડાટ
ગીરના જંગલની બોર્ડર પર આવેલા ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓનું ગામમાં આવી ચડવું સામાન્ય બન્યું છે. જોકે, ખાંભા તાલુકાના નાની ધારી ગામે રહેતા પ્રતાપભાઈ માંજરીયાના મકાનમાં ગત મધરાતે શિકારની શોધમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડો ઘરમાં પ્રવેશતા જ પરિવારજનો જાગી ગયા હતા.
મકાનમાલિકે હિંમત દાખવી, દિપડાને ઓરડામાં પૂર્યો
જોકે, ગભરાયા વગર પ્રતાપભાઈએ હિંમત અને સતર્કતા દાખવી, જે ઓરડામાં દીપડો હતો, તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. દોઢ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડો કેદ દીપડો ઘરમાં પુરાઈ ગયા બાદ તુરંત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ વન વિભાગનો કાફલો તાત્કાલિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો: Amreli: અચાનક રેલવે ટ્રેક પર આવી ચડ્યા 'વનરાજા', લોકો પાયલોટની સમયસૂચકતાથી ગંભીર બનાવ ટળ્યો
પાંજરે પુરાયો દીપડો, આંબરડી સફારી પાર્ક લઈ જવાયો
દીપડો બંધ રૂમમાં હોવાથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવો પડકારજનક હતો. આખરે વનવિભાગે દીપડાને ટ્રાન્ક્યુલાઈઝ (બેભાન) કરી, આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો હતો. વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડાને હાલ આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાંથી દીપડો ઝડપાઈ જતા ગામના લોકો અને ખાસ કરીને પ્રતાપભાઈના પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
