Amreli Lioness Rescue Video: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં શિકારની શોધમાં ભટકી રહેલી એક સિંહણ અચાનક રાત્રિના અંધારામાં પાણી વગરના ખાલી કૂવામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. સિંહણને બહાર કાઢવા માટે વનકર્મી પાંજરામાં બેસીને કૂવામાં ઉતર્યો હતો અને ભારે જહેમત બાદ સિંહણને સુરક્ષિત બહાર કાઢી હતી.
બાબરકોટમાં કૂવામાં સિંહણ ખાબકી
પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા બાબરકોટ ગામમાં મોડી રાત્રે એક મોટી મુશ્કેલી સર્જાઈ હતી. અહીં એક જૂના અને ઊંડા કૂવામાં 1 વર્ષની માસૂમ બાળ સિંહણ અચાનક ખાબકી ગઈ હતી. મોડી રાત્રિના શાંત વાતાવરણમાં કૂવામાંથી અવાજ આવતાં આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કૂવામાં નજર કરતાં જ ત્યાં સિંહણ હોવાનું માલૂમ પડ્યું હતું. કૂવો ઘણો ઊંડો હોવાને કારણે સિંહણ પોતાની જાતે બહાર નીકળી શકે તેમ નહોતી. આ ગંભીર પરિસ્થિતિને જોઈને સ્થાનિક લોકોએ સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક વનવિભાગને આ અંગે જાણ કરી હતી.
વન વિભાગ દ્વારા મોડી રાત્રે સફળ ઓપરેશન હાથ ધરાયુ
ઘટનાની માહિતી મળતાની સાથે જ જાફરાબાદ રેન્જના RFO જિજ્ઞાસા છેતરણીય પોતાની ટીમ સાથે તાબડતોબ બાબરકોટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં વનવિભાગના ફોરેસ્ટર, ટ્રેકર્સ અને રોડ મિત્ર સહિતના અન્ય કર્મચારીઓ સાથે જોડાયા હતા. મોડી રાત્રે અંધારામાં કૂવાની ઊંડાઈ વચ્ચે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વનવિભાગની ટીમે ભારે જહેમત અને કુનેહપૂર્વકની કામગીરી બાદ અંતે બાળ સિંહણને સહેજ પણ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. આ સફળ રેસ્ક્યુ બાદ સિંહણના સ્વાસ્થ્યના પરીક્ષણ માટે તેને તાત્કાલિક બાબરકોટના એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, બાબરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહો માટે ખૂબ જ સાનુકૂળ વાતાવરણ હોવાને કારણે અહીં વન્યજીવોની સંખ્યા સતત વધી રહી છે. જો કે, રહેણાંક વિસ્તારોની નજીક વન્યજીવોની અવરજવર વધતાં હવે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. લોકોની સુરક્ષા અને સાથે વન્યજીવોના રક્ષણને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ વનવિભાગ સમક્ષ આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માગ કરી છે જેથી આવી અણધારી ઘટનાઓ અટકાવી શકાય.
