અમરેલી-લાઠી હાઈવે પર ગોઝારો અકસ્માતઃ ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે ભીષણ ટક્કર, 3ના કમકમાટીભર્યા મોત

બસ સાથે ટક્કર બાદ કારના ફૂરચેફૂરચા. કેરાળા નજીક મુખ્ય હાઈવે પર અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતારો લાગતા ભારે ટ્રાફિકજામ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 May 2026 08:52 PM (IST)Updated: Sat, 23 May 2026 08:52 PM (IST)
amreli-accident-news-private-bus-and-alto-car-collied-on-lathi-state-highway-3-killed
HIGHLIGHTS
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ માટે તજવીજ હાથ ધરી

Amreli Accident: અમરેલી જિલ્લામાંથી પસાર થતાં અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લાઠીના કેરાળા ગામ નજીક એક ખાનગી બસ અને અલ્ટો વચ્ચે ભીષણ ટક્કર થતાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

કારનો કચ્ચરઘાણ, અંદર બેઠેલા 3 મુસાફરોના ઘટના સ્થળે મોત

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પરથી એક ખાનગી બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન કેરાળા ગામ નજીક અલ્ટો કાર સાથે ધડાકાભેર ભટકાઈ હતી.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.

બીજી તરફ આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. મુખ્ય હાઈવે પર અકસ્માત સર્જાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સૌથી પહેલા હાઈવે પરનો ટ્રાફિક ક્લિયર કરાવી વાહનવ્યવહાર પૂર્વરત કરાવવાની કામગીરી હાથ ધરી હતી.

હાલમાં પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહોનો કબજો મેળવી, તેઓ ક્યાંના રહેવાસી છે તે જાણવા અને તેમની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. મૃતકોની ઓળખ થયા બાદ તેમના પરિવારજનોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.